પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
સુમન અને તરલા.


'તરલા! તરલા ! ન્યાતના નિયમ પ્રમાણે સગાઈ તૂટે એમ નથી પણ ધર્મનો બાધ આવવાનો નથી. માણસની લાગણી ઉપર કોઈની સત્તા ચાલતી નથી. હૃદયની અંદર શું થાય છે તે નથી જણાતું-નથી જાણી શક્તા. એમાં જ લાભ છે. બાકી જાણતા હત તો તો માઠાં પરિણામ આવત. પરન્તુ જ્યાં સુધી સગાઈ તૂટી નથી, તોડી નથી, નાનપણથી તું મારી ને હું તારો એમ મનાયા છીએ એટલે તારે તારો ધર્મ સમજવો જોઈએ. ઈશ્વરેચ્છા અને મનુષ્યના નિયમ પ્રમાણે આપણે બે એક થવાનાં. આપણા બે વચ્ચે સાંકળ નંખાઈ-નંખાશે તે પછી તેમાં વિક્ષેપ પાડવામાં–તેમાં વિઘ્ન નાખવામાં પણ પાપ છે.'

'સુમન ! તમે શું પીંજણ પીંજ્યા કરો છો તેની મને સમજ પડતી નથી.'

'તરલા ! મ્મારે ખાતર બોલીશ નહી. કદાચ મ્હારાથી વધુ બોલાયું હશે. લોકોનો વ્હેમ કદાચ ખોટો પણ હોય. પણ હું જે કરું છું તે ત્હારા અને મ્હારા સુખને ખાતર જ કરું છું. હું ત્હારો થનાર પતિ છું અને હું તને ચાહું છું, માત્ર લગ્નની ધર્મક્રિયા જ બાકી છે. એટલે વાક્દાન થઈ ગયું છે. એ જ કાર્યથી આપણે સાથે રહીએ છીએ, હરીયે છીએ, ફરીએ છીએ, પવિત્ર છીએ, ને એકબીજાને પોતાનાં માનીયે છીએ. એ સંબંધ તો–આ સંબંધ રાખી બીજા સાથે જોડવો એ પાપ છે હોં !'

'સુમન ! તમારું શું કહેવું છે તે જ હું સમજી શકતી નથી-તમે સમજાવી શકતા નથી. બે વાગવા આવશે. હવે મ્હને ઉંઘ આવે છે. હું તો સુવા જાઉં છું.'

'તરલા ! શું હું ઘાસ કાપું છું? સાંભળ ! હું કદાચ ભોટ હોઈશ પણ જે કહું છું તે આપણા હિત ખાતર જ કહું છું. હું ત્હારો પતિ છું અને ત્હને ચાહું છું.'

ક્ષણવાર તરલાને ભુતકાળ સાંભર્યો. સુમનલાલ સાથે સગાઈ થઈ, સુમનલાલ ઘરમાં રહેવા આવ્યો તે વખતે તરલા કેવી રીતે જોતી,