પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

 નિશાળે જતાં, ચોપડી કે રૂમાલનું બાનું કાઢી હજારવાર સુમનને જોતી. મ્હોટી થઈ ત્યારે-અરે કાલ સવાર સુધી–મુંબાઈ ગઈ ત્યાંસુધી-સુમનના નામે શેરડા પડતા, સુમનને નેકટાઇ ભરી આપવામાં, સુમન માટે પાન કરવામાં, સુમનના કોટને બટન નાંખી આપવામાં, સુમનના અક્ષર વાંચવામાં ઓર મજાહ આવતી. તે જ તરલા આજ 'ચાહું છું' એ શબ્દથી ચ્હીડાઈ અને સ્નેહના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, સ્નેહનું પૃથક્કરણ કર્યું હોય તેમ બબડી-'સ્નેહ ! સ્નેહ એ શી વસ્તુ છે તે તો સમજો છો ખરા! માત્ર સ્નેહ શબ્દ જ સાંભળ્યો છે–સ્નેહનો ભેદ સમજ્યા જ નથી.’

'સુમન ! જરા ખુલાસેથી કહો–ને જે કહેવું હોય તે.'

'સાંભળ! હું તે તને ચાહું છું ને ચાહીશ. પણ જે કહું છું તે મારે માટે નહીં પણ આપણા સુખને માટે જ કહું છું. મ્હારા કહેવાની કાંઈજ અસર નથી એ વાત સાચી ! કદાચ મ્હારી માન્યતા ખોટી હોય. એમ હોય તો હું ત્હારી ક્ષમા માગું છું. પરંતુ મારા કહેવા પછી એકાન્તમાં વિચારતાં એમ લાગે કે મ્હારા કહેવામાં જરા પણ સત્યતા છે તો તે ઉપર વિચાર કરજે ને મ્હારી આગળ હૃદય ખૂલ્લું કરજે.'

'મારે કાંઈ વિચાર કરવાનું છે જ નહીં. ઉંઘ આવે છે. ઉંધવા જવાદો તો મહેરબાની.'

સુમનલાલ–શુદ્ધ પ્રેમ, અનન્ય નિશ્ચલ પ્રેમમાં માનનારો સુમનલાલ મુંગો રહ્યો. એણે એક દીર્ઘ નિશ્વાસ નાંખ્યો અને ચાલ્યો ગયો.

તરલા ઉભી રહી-હમણા પાછા આવશે એમ માની ઉભી રહી. બને ઘણી વાર રીસાતાં પણ એક પળ પછી પાછાં મળતાં, હસતાં રમતાં છૂટાં પડતાં. આજ એમાંનું કાંઈ જ થયું નહિ. તરલાની નજરમાંથી સુમનલાલ ખસ્યો. તે જ પળે બીજી મતિ હૃદયમાંથી બહાર આવી નજર આગળ તરવરવા લાગી અને તરલાના મ્હો ઉપર આનંદ છવાયો. સુમન ઉપર ભૂજંગે સત્તા ચલાવી.