પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
લોકચર્ચા.


પ્રકરણ ૪ થું.

લોકચર્ચા.

ભૂજંગલાલ તરલાના મોહમાં એટલે લુબ્ધ થયો હતો કે એને જગતની વાતો, જગતની નિન્દાનું જરાયે ભાન નહોતું. લગ્નના પોતાના વિચાર પ્રમાણે, નવી સદીના સ્વતંત્ર વાતાવરણ પ્રમાણે, લગ્નની અમૂક પદ્ધતિ જ જરૂરની છે એમ તે ન માનતો હોવાથી એને કાંઈ થતું નહોતું. લગ્ન, ધર્મક્રિયા કે બંધન છે એ વિચાર ભૂજંગલાલને નહોતો. લગ્ન કરાર છે, અરે એક જાતની સગવડ છે એટલું જ માનતો. ધર્મક્રિયા કે અમુક સમાજની લગ્નક્રિયામાં પતિપત્નીને સોગન લેવા પડે છે. આ શા માટે ? એક અથવા બનેને જ્યાં સુધી બને-ફાવેસગવડ પડે ત્યાંસુધી સાથે રહે પછી છૂટા થાય તો શું ? એમાં જ સ્વતંત્રતા છે, એમાં જ સુધરેલા જમાનાની મહત્તા છે એમ એ માનતો. આથી જ્યારે જ્યારે એના મિત્રો તરલા માટે પૂછતા ત્યારે ત્યારે તેમને ઉરાડતો.

પરંતુ ખરું દુઃખ તરલાને થયું. તરલા અને ભૂજંગલાલ મળતાં એ વાત ધીમે ધીમે ચર્ચાતી ચર્ચાતી સુમનલાલને કાને આવી. પોતાની ભવિષ્યની પત્ની આમ પરપુરૂષ સાથે હરે ફરે, પોતાને ત્હેની ખબર નહી, લોકમાં નિદા થાય એ ત્હેને જરાયે ગમ્યું નહિ. તરલાનાં માતપિતાના કાને આ વાત હજી ગઈ નહોતી, પરંતુ શુદ્ધ હૃદયના સુમનલાલના જીવનમાંથી રસ જતો રહ્યો. જે તરલાને પવિત્ર માનતો, જે તરલાને નમુનેદાર પત્ની થશે એમ માનતો તે તરલામાં આવો ફેરફાર જોતાં જ તે દીલગીર થયો અને ખટપટ કરી નોકરીની બદલી કરાવી સુરત છોડ્યું. ખરી નિન્દા સ્ત્રીઓમાં થઈ. તરલાને મ્હોટી કરવામાં આવી હતી. તરલાને ઉંચી કેળવણી આપવામાં આવી હતી-તરલાને સમાજમાં હરવાફરવા દેવામાં આવતી તે બધું અયોગ્ય