પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


આપણને વિવાહિત પતિપત્ની માનશે? મ્હને કાયદેસર પત્ની ગણશે ? મારાં છોકરાં કાયદાસર ગણાશે ?'

'તરલા! તરલા ! તું નકામી દુઃખી થાય છે. મન દૃઢ રાખ અને કાંઈ નથી. સુમનલાલની શી પડી છે ? તારાં માબાપ–સગાંવ્હાલાં ત્હને છોડી દેશે પણ હું ત્હારો છું ને? જગત ત્હને કાયદેસર પત્ની માને કે નહી પણ હું માનીશ ને? મન માને છે ને પછી શું? ત્હને હજી સુમનલાલ સાંભરે છે કે શું?'

'ભૂજંગ ! ત્હમે ભૂજંગની [૧] પઠે ડસો છો હોં ! સુમનલાલનો હું વિચાર કરતી નથી. આમ શા શા માટે બોલો છો ? મ્હને જે થાય છે તે આપણે માટે. હું માથું ઉચું રાખી ફરું એવું કરી આપો એટલું જ માગું છું.'

'ના, તરલા હું માનતા નથી. આ બાનું છે. તું સુમનલાલને હજી ભૂલી નથી.'

'કેમ ભૂલાય ! અત્યારે તો તમે ને એ બે સરખા છો. હું પવિત્ર છું. સુમન સાથે રહી છું, અમારો વિવાહ થયો છે. આપણે મળીએ છીએ. તમારી સાથે લગ્નથી જોડાવા પ્રબળ ઈચ્છા થઈ છે. જેની સાથે લગ્નથી જોડાઇશ તે મ્હારું સર્વરવ. પણ કરવું શું?'

‘તરલા કરવાનું એટલું જ કે આપણે હવે સાથે રહેવું ને ત્હારે ત્હારાં માતાપિતાને કહેવું અને જે મળે ત્હેને ખુલું કહેવું કે ભૂજંગલાલ સાથે પરણી છું.'

'ભૂજંગલાલ ! તમે મારા ઉપર જરા તો દયા કરો ! જે વાત તમારે કરવી ઘટે છે તે મારી પાસે કરાવો છો ? જુઠું બોલું ? લગ્ન પહેલાં તમારી સાથે કદી રહેવાની નથી. લગ્ન થયાં તેની સાબીતી માગે તો મારે ક્યાંથી આપવી ? અને એ સાબીતી ન અપાય ત્યાં સુધી હું તમને કાયદેસર પરણી છું કોણ કહે ? મ્હને બધા પાપીણી માને. આ બધું શા માટે ? ત્હમારી હઠથી ને ? મ્હારે ખાતર, મ્હારા ઉપર ભાવ


  1. ૧ સાપ.