પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૯
તરલાની મુંઝવણ.



પ્રકરણ ૬ ઠ્ઠું.
તરલાની મુંઝવણ.

શણગારભાભીની પાર્ટી પછી વાત થઈ તે રાતથી, સુમનલાલ અને તરલાના હૃદયની એકતા નષ્ટ થઈ હતી. જે તરલાને સુમન વગર અને સુમનને તરલા વગર નહોતું ચાલતું તે સ્થિતિ બદલાઈ ગઈ હતી. હજી કેમ નથી આવ્યા ? અંદરથી ક્યારે આવશે એ લાલસા, [૧] ઉમંગ, વ્યાકુળતા ગયાં. જે તરલાને પાર્ટી, સોસાયટી ગમતી નહોતી, સુમનલાલની સર્વ વાતમાં જ મજા પડતી તે તરલાને હવે બ્હાર જવામાં, સાંજ વાર ફરવા હરવામાં, શણગારભાભીને ત્યાં જ કલાકો ને કલાકો ગાળવામાં આનંદ પડતો. પરદુઃખભંજન શણગારભાભી આમ અનેક ખિન્ન કન્યાઓને આશ્વાસન [૨] આપતાં અને આપણી પહેલેથી વિવાહ કરી રાખવાની પદ્ધતિને કકડે કકડા ગાળો દેતાં. તરલા વારંવાર શણગારભાભીને ત્યાં જતી અને ભૂજંગલાલને મળતી. સુમનલાલ ઑફીસર તરીકે કડક ગણાતો, ત્હેનો એક શબ્દ કાયદો મનાતો, પરતું તરલા આગળ તેનું જોર ચાલતું નહિ.

દિવસ પછી દિવસ જવા લાગ્યા અને તરલાને સુમનના શબ્દ, સુમનની સલાહ કેવળ વ્હેમ ભરેલી લાગવા માંડી. કોઈ અજ્ઞાન બાળકને કોઈ લડે, બાળકને ન ગમે ને બીજો હોંશીયાર આદમી બાળકને ફોસલાવે, રીસાઈ આવેલાને મનાવે, ત્હેને મનગમતું કરે ને તે માણસ જેમ બાળકને સારું લાગે તેમ તરલાને શણગારભાભી અને ભૂજંગલાલ હતાં. ઘરમાં કટાળો આવતો. સુમન જ્યારે મળતો ત્યારે એની એ વાત. હું ત્હને ચાહું છું ને તું મ્હને નથી ચાહતી, ત્હને ભૂજંગલોલ ગમે છે. લોકો વાત કરે છે, આપણો વિવાહ તૂટે એમ નથી, આ વાતોથી કંટાળેલી તરલા શણગારભાભીને ત્યાં જતી


  1. ૧. ઇચ્છા.
  2. ૨. દિલાસો.