પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાના પત્રે મચાવેલી ધમાલ.


છંછેડાય એમાં આશ્ચર્ય શું ? કોણ જાણે જનસમાજની ઘટના જ એવી થઈ ગઈ છે કે પુરૂષ અનીતિમાન હોય તો તે જેટલો નિંદાપાત્ર મનાય છે તેથી બલ્કે સો ગણી નિંદાપાત્ર અનીતિમાન સ્ત્રી લેખાય છે. એક પુરૂષ ખરાબ જીવન ગાળે ને સ્ત્રીઓ ટીકા કરે તો પુરૂષ વર્ગ બચાવ કરવા તત્પર થશે. શુદ્ધ જીવન ગાળવાની ફરજ જેટલી સ્ત્રીની છે તેટલી જ પુરૂષની છે. ચંદાને મનમાં અનેક તર્કવિતર્કો થયા કરતા હતા. મહેતીજી નામનો ઉચ્ચાર ત્હેના હૃદયને બાળી નાખતું હતું. પરંતુ આ સર્વે લોકવાયકા જ હતી. વસન્તલાલનું વર્તન જરા પણ ફર્યું નહોતું. એ તો એવો ને એવો પ્રેમાળ પતિ-સ્નેહાળ પિતા હતો. આમ છતાં, હૃદયમાં એક શંકા દાખલ થતાં એ શંકા પુરાવા ખોળે છે, હૃદયની શાન્તિનો નાશ કરે છે, અને જે હાસ્ય, જે મીઠા બોલ પ્રેમના લાગતા તે જ હાસ્ય, તે જ મીઠા બોલ ચીડવવાના–બનાવવાના લાગે છે. ચંદાની હૃદયશાન્તિ ગઈ હતી. હમેશની શાન્ત, ઠરેલ ચંદા નોકરો ઉપર, છોકરાં ઉપર ગુસ્સે થતી, અને નોકર માણસો પણ કંટાળી ગયાં હતાં. ધૃણાતા છાણાના આકરા તાપનો આજ ભડકો થયો હતો. શંકા, શંકા મટી સાચી વાત ઠરી હતી. મહેતીજીનો પત્ર અચાનક એના હાથમાં આવ્યો હતો, અને એ પત્ર વાંચતાં પતિને શુદ્ધ દિલે ચાહનારી પત્ની નિરાશ થઈ ગઈ હતી, ત્રાસ પામી ગઈ હતી. પતિ પ્રત્યે અણગમો, તિરસ્કાર થયો હતો, જીવનનો રસ ઉડી ગયો હતો. અત્યાર સૂધી પતિ અને પોતાની વચ્ચે કોઈ અંતરાય નહોતો, હવે બે વચ્ચે મહાસાગર હોય એમ લાગ્યું. વસન્તલાલ સીનેમેટોગ્રાફની એક પછી એક ફિલ્મ જોઈ ઘડીમાં હસતો, ઘડીમાં ઉશ્કેરાતો ત્યારે તે જ વખતે દાદરના પોતાના બંગલામાં પોતાની પ્રિય પત્ની, મહેતીજીનો પત્ર ચોળતી ગુસ્સે થતી બેઠી હતી. ચંદા બે ચાર વખત પથારીમાં પડી, પણ ઉંઘ ક્યાંથી આવે ? નાનામાં નાના બાળકને પણ પોતાની વસ્તુ બીજાના હાથમાં જતાં શાન્તિ વળતી નથી તો પછી માબાપે આપેલો, ધર્મક્રિયાથી લગ્નની ચોરીમાં શરીરે અને હૃદયે સ્વીકારેલો, બાલકોરૂપી સીલથી મજબૂત