પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


નહી તે જ સવાલ છે. લગ્નમાં વળી કાયદાના બંધનની શી જરૂર છે? પ્રેમને વળી અમૂક પદ્ધતિ શી ? એ કહેવું ખરું હશે પરંતુ મ્હારૂં મન કહ્યું કરતું નથી. હિંદુવિધિ, પારસીવિધિ, બ્રાહ્મવિધિ કે ગમે તે વિધિથી પણ જાહેર લગ્ન થવું જોઈએ, જે વિધિથી જાહેર લગ્ન ન થાય તે વિધિને હું તો વ્યભિચાર માનું છું. સ્વર્ગીય પ્રેમ હશે પણ જનસમાજ ઉપર શી અસર થાય ? સુમનલાલ તરફ મારરો પ્રેમ કેવો હતો ! તે વખત હું એમને જ સર્વસ્વ, દેવ, પ્રેમમૂર્તિ માનતી. ભૂજંગલાલના આવ્યા પછી એ ભાવના કાંક ગઈ ત્યારે કયો સ્વર્ગીય પ્રેમ ? ભૂજંગલાલ સાથેના સંબંધ પછી વળી કોઈ ત્રીજો પુરૂષ આવ્યો ને એની તરફ આકર્ષણ થયું તો એ વ્યભિચાર નહી તો બીજું શું ? હું -તરલા–ઉત્તમ કુળમાં જન્મેલી તરલા-ચંદાભાભીને શિખામણ આપનારી તરલા એવી થાય? વ્યભિચારિણી થાય? કદિ નહીં. લગ્નવિધિ જનસમાજને માટે છે. આપણે માટે જીવવાનું નથી. પરને માટે જીવવાનું છે. પશુનું જીવન પોતાને માટે છે. આપણું–મનુષ્યનું જીવન પરને માટે છે. એમાં જ સુખ છે. ભૂજંગલાલ કહે છે તેમ હું લગ્નવિધિ બીનજરૂરની છે માની એમની સાથે રહું તો જગતમાં શું થાય ? કેળવણીને માથે બટ્ટો આવે. છોકરીઓના નાનપણથી લગ્ન થઈ જવાનાં. છોકરીઓને હરવા ફરવા, ભણવાની છૂટ છે તે બંધ થવાની, તો પછી મારે પોતાને માટે, કાલ્પનિક સુખ માટે, સુખી થઈશ એ આશાએ ભવિષ્યની બહેનોનું, હિંદુ સંસારનું બગાડવું ? ના. ભૂજંગલાલ લીલાને પરણતાં અટક્યા હશે તે આ જ કારણ હશે. એ બિચારી એમને માટે મરવા પડી છે. લગ્નક્રિયા ન કરવી હોય તો આપણે પરણવાનાં નથી. ત્યારે સુમનલાલ ? મ્હારા કેવા ભોળા વ્હાલા પતિ! વ્હાલા ! એમને માટે મરી પડતી તે આ ભૂજંગલાલના આવ્યા પછી કેમ એટલા દૂર થઈ ગયા. ખરો પતિ જરાક સ્ત્રી કરતાં વધારે કડક જોઈએ. એકલો સ્નેહ, બહુ ગળ્યા ચાહ જેવો થઈ જાય છે. ગુલાબ વધારે પસંદ કરાય છે કારણ ત્હેને કાંટા છે. એ કાંટા વાગે