પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫
તરલાની મુંઝવણ.

 'તરલા! તું ગાંડી ને ગાંડી રહી! તું કોને વધારે ગણે છે ? મ્હારા પ્રેમને કે લગ્નવિધિને ? આજ મહિના ને મહિના થયા હું તારી પાછળ ભમું છું. લોકોમાં હું ને તું બને નિદાયાં. લીલાને છોડી તે પણ તારે ખાતર. છતાં તું એકની બે થતી નથી. મારે માટે તારો સ્નેહ ક્યાં ગયો ? શણગારભાભીએ કેટલી સમજાવી છતાં માત્ર લાગણીમાં જ તરલા રહી, વર્તનમાં નહી. તું નથી આવતી મારી પાસે. મારા ઉપર જે સ્નેહ હોય તે આમ ન્હાસતી ફરે છકે ?'

'ભૂજંગલાલ ! તમે મ્હારા હૃદયની વાત નથી સમજી શકતા. આ પળે મ્હારા હૃદયમાં શું થાય છે તેનું તમને ક્યાંથી ભાન હોય ? સુમન-પ્રિય સુમનને કાઢી, એમની મૂર્તિને ઉખેડી તમારી મૂર્તિ સ્થાપવા તૈયાર છું ત્યાં તમે આડે આવો છો. પ્રિય સુમન, સુમન જેવા કોમળ છે. એમને મ્હેં બહુ દુભવ્યા છે. હું ન કરવાનું કરું છું. હું મારી જાતને, મારી લાગણીને વશ થઈ ક્યાં ઘસડાઉં છું, ત્હેનું મને ભાન નથી.'

'ને તરલા ! હું લગ્નવિધિ કરવા તૈયાર થાઉં તો?' આટલું લતાં ભૂજંગલાલ સ્નેહભરી આંખે તરલા સામું જોઇ રહ્યો અને તરલાનું હદય ગજગજ ઉછળવા લાગ્યું.

'તો, તો, તમા—'

એટલામાં નોકરે આવી કહ્યું – 'તરલાબ્હેન ચંદાભાભી મુંબઇથી આવ્યાં છે તે મને હમણાં ને હમણાં જ બોલાવે છે.'

તરલા એકદમ દોડી. ભૂજંગલાલ ઉભો જ રહ્યો.