પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯
ચંદા અને તરલા.


ક્ષમા નહી હો-' તમને તો ગમે તે હોય પણ હું તો સુખી થઈ છું. આટલું થયા પછી અમે વધારે જોડાયાં છીએ. અત્યારે મને એમ થાય છે કે તમારી શિખામણ માની ન હત ને છૂટી થઈ હત તે હું ને એ તેમ જ છોકરાં દુઃખી થાત.'

'ભાભી! ત્યારે શું કરું ? સુમનલાલ તરફ મ્હારો એવો ને એ જ ભાવ છે, પણ ભૂજંગલાલને જોઉં છું ત્યારે કાંઈને કાંઈ થઈ જાય છે એ કેમ ?'

'તરલા! એ જ દર્શાવે છે કે તમે હજી લાગણીમાં બાળક છો. કેળવણી છે, ઉચ્ચ વિચાર છે, પણ હજી ઘડાયાં નથી. ભૂજંગલાલ ને સુમનલાલમાં કાંઈ તફાવત જોયો ? તરલા, સુમન એટલે કમળ ફલ છે હોં ! ભૂજંગ, ખરેખર ભૂજંગ છે-સાપ છે. રીઝે તો રમે છે ને ખીજે તો ડસે છે. લીલા-ગરીબ બિચારી લીલા એ ભૂજંગને પાપે તો મરવા પડી છે.—–'

તરલા ચમકી. ભૂજંગ ! સાપ! 'રીઝ તો રમે ને ખીજે તો ડસે છે.' હા, આ શબ્દ એણે કાંઈક સાંભળ્યા હતા. ક્યાં? એ જ ભૂજંગે પોતે જ કહ્યા હતા.

ભોળી તરલા, ભૂજંગના પ્રેમથી–મોહથી લુબ્ધ થયેલી તરલાએ શબ્દનો અર્થ સમજી જ નહોતી. મારા લગ્નક્રિયાની ભાંજગડમાં હા ના થતી હતી તે વખત 'હું ભૂજંગ છું' એમ બોલ્યો હતો, પણ તે વખતે તે વિશે એ વિચાર જ ન કર્યો. 'ચ્હીડાયા છે. લગ્ન કરતાં-સાથે રહેવામાં વાર થાય છે તેથી ગુસ્સે થયા છે, મ્હારે માટેના સ્નેહને લીધે જ એ આમ બોલે છે,' એમ તે સમજી હતી, અને એમ સમજીને જ બીજી વાર પોતાના બંગલામાં મળી હતી. પરંતુ તે વાત અત્યારે ચંદાભાભીની વાતચીત પછી જુદા જ રૂપમાં લાગી. ભૂજંગલાલ ખરેખર ભૂજંગ છે. જે હું એને તાબે નહી થાઉં, જે એની મરજી પ્રમાણે લગ્નક્રિયા વગર એની સાથે રહેવા નહીં જાઉં તો મને હેરાન કરશે એવી એની ધમકી હતી એ હવે સમજી. લીલા-