પૃષ્ઠ:Tarlaa.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
તરલા અથવા ઉર્મિનો આવેગ.


પવિત્ર નિર્દોષ લીલાએ અર્શવદને બદલે ભૂજંગલાલ તરફ પ્રેમ દર્શાવ્યો, અરવિન્દને હૃદયમાંથી ખસેડ્યો, એનું શું પરિણામ આવ્યું ? લીલાની પાછળ એના એ ભૂજંગલાવ ફરતા ને હવે લીલા ક્યાં છે, મરે છે કે જીવે છે, તેની જરાયે દરકાર કરે છે ? તે પછી મ્હને પડતી મુકી એ બીજીને નહી ચાહે એની શી ખાત્રી ?

'ચંદાભાભી! ખરે, તમે ખરું કહો છો. હું કેવી મૂર્ખી ! સાક્ષાત્ રામ જેવા, પુણ્યશ્લોક નળ જેવા મ્હારા સુમનને દૂર ખસેડ્યા, જેને મ્હેં સોનું ધાર્યું તે કથિર નીકળ્યું! હવે સુમન શી રીતે મળે? એમના હૃદયમાં હું પાછી શી રીતે સ્થાન મેળવું? મ્હને પવિત્ર માનશે ? જગતની બત્રીશીએ ચડેલી હું પવિત્ર ગણઈશ ? ભાભી ! ભાભી ! હવે તે મ્હને મો બતાવવું ગમતું નથી. મરી જાઉં? જીભ કરડીને કે અફિણ ગળી દેહનો અંત આણું!.....પણ ભાભી, મ્હને ભૂજંગની બહુ બ્હીક લાગે છે. લગ્નક્રિયાની ના આટલા માટે કહી હશે કે મરજીમાં આવે ત્યારે મ્હને તજી શકે. એ સાપ-ઝેરી નાગ મ્હને જરાયે સુખ આવવા નહિ દે, હોં ! એને ના નહિ કહેવાય ? મારા સુમનને કાંઈ કરશે ? કોણ જાણે કેમ એની હાજરીમાં-એના મ્હોં આગળ-એના બોલે હું ઢીલીઢબ થઈ જાઉં છું. ભાભી મ્હને બચાવો!'

'તરલા! તરલા! આમ શું ઢીલાં થઈ જાઓ છો ? ત્હમે મ્હારા ઉપર થોડો ઉપકાર નથી કર્યો. ત્હમે ન હત તો હું ન હોત ઘરની કે ન હોત પતિની. તમારે લીધે તો મારા કુટુમ્બમાં ફરીને આનંદ-પ્રેમ–શાન્તિ મળ્યાં છે, તો પછી હું ત્હમને આ સ્થિતિમાં રહેવા દઉં તો કયે જન્મ છૂટું ? સુમનને પાછા લાવવા–સુમનને ત્હમારા કરવા એ મારું કામ. પણ હવે તરલ ઓછાં થાવ. એકદમ લાગણીને વશ ન થાવ. જરા દઢ થતાં શિખો. ભૂજંગ, ભૂજંગ છે સાપ છે. એ જાણશે કે તમે એના તરફ અભાવ દર્શાવવા માંડ્યો છે એટલે તમને હેરાન કરશે, પણ એ વખતે હિમત રાખશો તો સુખી થશો.'