પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


ગમે તેવી વાતો ફેલાવવાના પૈસા બેસતા નથી. એ વાતો કેવળ નવરા બેઠાની જ હોય છે, પણ એનું કેવું ગંભીર પરિણામ આવે છે ત્હેનું ત્હેમને જરાયે ભાન હોતું નથી.

“હાય ! હાય ! આ શું? એ તો ભૂજંગ પાછળ મરવાની ! આવું છે તે પછી એવીને સુમનલાલ શા માટે પરણતા હશે ?” “હવે તો લગ્ન થઈ જાય તે સારું બા!” “જે ભૂજંગલાલને એને નહિ પરણવા દે તો એમાં પરિણામ સારું નહી આવે!” આમ વાતો છાની પણ કાંક સંભળાય એમ ચાલી. ચંદા, સુમન, શણગારભાભી અને તરલાને કાને આ શબ્દ પડતાં જ દરેકને જુદી જુદી અસર થઈ હતી.

'ચંદાભાભી! મને કાંક થઈ જાય છે. મારી છાતી ગભરાય છે. મને લઈ જાઓ.’

'તરલા ! ચંદાભાભી શું કરતાં હતાં ! ચાલ મારી સાથે મારી સાથે વાતમાં હમણાં હોંશીયારી આવશે.'

'શણગારભાભી ! ના. અત્યારે નહી.'

આટલું બોલતાં તરલાથી રોવાઈ જવાયું. એની ગભરામણ વધી. સુમનલાલ સઘળું જોયા કરતો હતો. તરલાના હદયની વેદના સમજી શકતો નહોતો. છાતીની ગભરામણ, રોવું એ બધું ભૂજંગના અકસ્માતને લઈને જ-ભૂજંગની ગંભીર સ્થિતિને લીધે જ માની હમેશનો શાંત સુમન અશાંત બન્યો. આટલા બધા લોકોમાં હલકો બન્યો. બધાં એને હસતાં હશે, નબળો, બાયલો ગણતાં હશે માની વ્હેમ– ઈર્ષાના બળે બોલી ઉઠ્યો:

'તરલા! ચાલ મારી સાથે ! ગાડી તૈયાર છે. ત્હને શું થાય છે તે હું સમજું છું. અત્યાર સુધી નરમ રહ્યો ત્હેનું પરિણામ મ્હેં ભોગવ્યું. ચંદાભાભીને પછી મળીશ. મ્હારે વાત કરવી છે, ચાલ !'

તરલા-દુઃખી તરલાએ સુમનલાલને આવો ચીડાયેલો કદી જોયો નહોતો. ઘડીમાં ચંદાભાભી તરફ તો ઘડીકમાં દૂર મેદાનમાં જોતી, શણગારભાભીને જરાપણ ન ગણકારતી તરલા સુમનલાલ સાથે ગાડીમાં બેઠી.