પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯
ગાડીમાં.


પ્રકરણ ૯ મું.

ગાડીમાં.

એક બેશુદ્ધ માણસને ગાડીમાં નાખે તેમ તરલા ગાડીમાં નંખાઈ. ભૂજંગલાલ પડ્યો. ભૂજંગલાલ મરી ગયો હશે એ વિચારે તરલા બેબાકળી બની હતી. થોડાક કલાક ઉપર સુમનલાલના નામનું રટણ કરનાર, સુમનલાલને માટે જાતે ચાહ કરી આપવામાં મજા માનનાર, સુમનલાલ 'મુજ સ્વામી સાચા' માનનાર તરલાના હૃદય ઉપરનો અંકુશ ગયો. ખરેખર, શેતાન અને દેવદૂતનું યુદ્ધ મીલ્ટનના કાવ્યમાં હશે, પરંતુ દરેક મનુષ્યના હૃદયમાં આ સૂર-અસૂરનું યુદ્ધ–સારી અને ખોટી વૃત્તિનું હરહંમેશ યુદ્ધ–થાય છે. મનુષ્યના હૃદયમાં તો આ યુદ્ધ થવાનું જ જેટલે અંશે મનુષ્યમાં સદ્દબુદ્ધિનો વિકાસ, પરમેશ્વરને એાળખવાની શક્તિ તેટલે દરજજે સદ્વૃત્તિનો વિજય. તરલા કેળવાચેલી હતી, સદ્દવિચારમાં ઉછરી હતી, હૃદય નિખાલસ હતું, પરંતુ દરેક મનુષ્યના જીવનમાં આવવાની આવી લડાઈનો અનુભવ તરલાને પહેલીવાર જ થયો હતો. યુદ્ધમાં શામ દામ ભેદ *[૧] વાપરવો પડે છે તેમ હૃદયની આવી લડાઈમાં પણ યુક્તિ પ્રયુક્તિ વાપરી પડતાંને બચાવવાનો મનુષ્ય માત્રનો ધર્મ છે. તરલા બાળક હતી, એણે કૂડકપટ અનુભવ્યાં નહોતાં એટલે જ ભૂજંગલાલને દિવ્ય પુરૂષ–સ્નેહાળ પુરૂષ માનવા લાગી, અને વીણાના નાદે જેમ સર્પ ખેંચાય તેમ ખેંચાઈ હતી. તરલા ગાડીમાં બેઠી. ચંદાએ બોલાવી પણ ઉત્તર જ ન આપ્યો. રેસના [૨] મંડપમાંથી કાંઈ કાંઈ ટીકાઓ સંભળાવા લાગી અને એ દરેક શબ્દ સુમનલાલનું હૃદય કોતરી નાખતો હતો. ગાડી ચાલી અને સુમનલાલે તરલાને ઢંઢોળી. સ્નેહ અને ઈર્ષા બે જ્યાં ભેગાં થાય છે ત્યાં ધીરમાં ધીર પુરૂષ પોતાની હામ ખોઈ નાખે છે. સુમનલાલ


  1. ૧. યુક્તિ.
  2. ૨. શરત.