પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તાર


પ્રકરણ ૨ જું.

તાર.

ત્રણ ચાર દિવસ વહી ગયા. ચંદા ઘરકામ કરતી, છોકરાં નિશાળે જતાં આવતાં, વસન્તલાલ જતો, નોકરો હરતા ફરતા, પરંતુ ગૃહદેવીનું અપમાન થતાં તે દેવી ઉપરનું તેજ જતું રહ્યું હતું. સવારે નાસ્તા વખતે, બપોરે જમતી વખતે અને રાતના વસન્તલાલ, ચંદા અને છોકરાં બેસતાં, છોકરાં પાસે કવિતા બોલાવતાં, ચંદા કોઈ કોઈ વાર ગાતી, વસન્તલાલ ન્યૂસપેપર વાંચી સંભળાવતો. આ સઘળું ભૂતકાળના ભણકારા સમાન થઈ ગયું. ચંદા અંધારીયાની ચંદા માફક દિવસે દિવસે નિસ્તેજ થતી હતી. માથું દુખે છે, જીવ ડોળાય છે, કહી એરડામાં ભરાઈ રહેતી. કોઈ અજાણ્યું માણસ આવતું ત્યારે ન છૂટકે ધણીધણીયાણી સાથે બેસતાં, હસીને વાત કરતાં. પણ તે એટલી જ ઘડી. ચંદ્રમા અસ્ત પામતાં સર્વત્ર અંધારું થાય તેમ એકલાં પડતાં થતું. પતિ પત્ની હસ્યાં નહોતાં, બોલ્યાં નહોતાં. બાલકો–નિર્દોષ બાલકો અંદર અંદર માબાપના રીસાવાની વાતો કરતાં અને અમને ક્યારે બોલાવે એમ એમના મનમાં થયા કરતું.

વસન્તલાલ ચાહ પી બહાર જવાની તૈયારી કરતો હતો ત્યાં રામો તાર લઈ દાખલ થયો. વસન્તલાલે તાર ઉઘાડ્યો, વાંચ્યો ને રામાને કહ્યું, “રામા ! બ્હેન કાલે આવે છે.”

રામો વસન્તલાલનો જુનો અને વિશ્વાસુ નોકર હતો. તરલા બ્હેન આવે છે એ જાણતાં જ એનો આનંદ છૂપાઈ શક્યો નહી. ઘરમાં શાન્તિ ફેલાવનાર કોઈ સમર્થ હોય તો તે તરલા બહેન જ છે એમ તે માનતો, અને તરલા બ્હેનને બોલાવવા તલપાપડ થઈ રહ્યો હતો ત્યાં શેઠે વધામણી આપી.

“બહુ સારું, સાહેબ ! હું બહુ રાજી થયો. ભલે આવે. બ્હેન એકલાં આવે છે કે કેમ?”