પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
તરલા અથવા ઉર્મિનો આવેગ.


‘જા! ઉત્તર પછીથી આપીશ. હમણાં તો શણગારભાભીને ત્યાં જાઉં છું એમ કહેજે.” કહી તરલા નીચે ઉતરી.

સુમનલાલ ચીઠીના ઉત્તરની રાહ જોતો હતો. ચીઠીને બદલે કદાચ તરલા પોતે આવે. હમણા એ આવશે, ઉછળતી છાતી અને હસતે મ્હોએ આવી મ્હારા વ્હેમ માટે હસી કાઢશે અને પહેલાં બેસતાં હતાં તેમ કાંઈ બન્યું જ નથી એમ હાસ્યવિનોદ કરીશું.

તરલાને બદલે ચીઠી લઈ જનાર નોકર જ આવ્યો અને તે પણ ખાલી હાથે. નોકરને જોતાં જ બોલ્યો, 'કેમ ! તરલા નથી ?'

'જી, છે, પણ કહ્યું છે કે હું શણગારભાભીને ઘેર જાઉં છું તેથી ઉત્તર પછી આપીશ.'

'બહુ સારું. જા.'

'બહુ સારું જા' એટલું નોકરને કહેતાં સુમનલાલને મહેનત પડી. “ શણગારભાભી એટલે ભૂજંગલાલ જ. આવી નફટ ! મારા આવા કાકલુદીભર્યા–સ્નેહભર્યા કાગળની જરા પણ દરકાર રાખ્યા વિના એના–ને મળવા તૈયાર થઈ! બસ થઈ રહ્યું. એ તો એ જ, કાં તો હું નહી ને કાં તે એ નહી.” સુમનલાલ ધ્રુજવા લાગ્યો. આખો હૉલ ફરતો હોય એમ લાગ્યું. છંછેડાયેલા સિંહની માફક હૉલમાં તે ફરવા લાગ્યો. આંખમાં ક્રોધ, વૈરનો અગ્નિ સળગવા લાગ્યો. તરલા ઝેર જેવી લાગી. શું કરું, કયાં જાઉં, એમ થયું. 'બસ એ જ ' એટલું બોલી સુમનલાલ પણ બહાર નિકળ્યો.