પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯
હું શું સાંભળું છું ?



પ્રકરણ ૧૧ મું.

હું શું સાંભળું છું?

તરલા-ભોળી તરલાના મનથી શણગારભાભી દુઃખીઆને વિસામે, અનાથના બેલી, કજીયા પતાવનાર, નિઃસ્વાર્થ સલાહકાર હતાં. આપ તેવું જગ માનનાર તરલા બધાને પવિત્ર લેખતી, અને શણગારભાભી અને ભૂજંગલાલ માટે લોકો માત્ર દ્વેષ, અદેખાઈથી જ નિદા કરે છે એમ શ્રદ્ધાપૂર્વક માનતી. ભૂજંગલાલમાં માત્ર બે જ દોષ જોયા હતા. એક ઈશ્વરને નહોતો માનતો એ અને બીજું લગ્નક્રિયા તરફ અણગમો. ઈશ્વરને માનવો ન માનવો એ વિચાર સ્વતંત્રતાની વાત છે, પણ લગ્નક્રિયા ન કરવા દેવામાં કાંઈ છૂપો ભેદ હશે એ તરલા સમજી નહોતી. એ પણ વિચાર સ્વતંત્રતા જ માનતી. સુમનલાલનો સ્વભાવ જાણતી એટલે આપઘાત નહી કરે એમ લાગતાં પ્રથમ ભૂજંગલાલને બચાવી લેવા પગલાં ભરવાં એ ઠીક માની શણગારભાભીને બધી વાત કહી એની મારફત જ ભૂજંગલાલને મુંબાઈ મોકલી દેવા વિચાર કર્યો, અને આટલા જ માટે શણગારભાભીને ત્યાં ગઈ.

સંધ્યાકાળનો વખત હતો. શણગારભાભી ત્રીજે માળ અગાશી પાસેના ઓરડામાં કોઈની સાથે વાત કરતાં હતાં એમ નોકર તરફથી ખબર મળી. તરલાને શણગારભાભીને ત્યાં ગમે ત્યાં ને ગમે ત્યારે જવાની છૂટ હતી, એટલે શણગારભાભીને એકદમ બોલાવી મનનો ઉભરો ખાલી કરવા તત્પર થયેલી તરલા શ્વાસભેર બએ પગથીયાં સામટાં ચ્હડી ત્રીજે માળે ગઈ. ત્રીજે માળ આગલા હૉલમાં કોઈ નહોતું એટલે પાછલા હૉલમાં ગઈ ત્યાં અગાશીના ભાગમાંથી બે જણાં વાત કરતાં હોય એમ લાગ્યું ને ખંચકાઇ. 'શણગારભાભી' - ના નામની બૂમ પાડવા જાય છે ત્યાં એક જાણીતો અવાજ કાને આવ્યો. એ અવાજ આવતાં જ એની છાતીમાં ધબકારો થયો.