પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


હૃદયમાં કાંઈ કાંઈ લાગણી થઈ ગઈ અને 'એમાં શું ? કોણ પરાયું છે! એ માટે તો આવી છું' કરી તરલાએ પગલું ભર્યું પણ ત્યાં જ થંભી, અને કાન માંડી ભીંત પાસે સંતાઈ વાત સાંભળવા ઉભી રહી. કોઇનાં ખાનગી પત્ર ફોડવા, એમાં શું લખ્યું છે તે જાણવા, બે જણાની ખાનગી વાત સાંભળવા માણસને બહુ ઉત્સુકતા થાય છે; પરન્તુ એ સ્વભાવથી ઘણીવાર લાભ કરતાં હાની જ થાય છે. કેવળ જાણવાની ઈચ્છા સંતોષવા જતાં ઘણીવાર આપણું પોતાનું, પોતાના પ્રિયનું આપણે ન સાંભળવા જેવું સાંભળીએ છીએ, અને જે ન સાંભળ્યું હોત તો સુખી રહેત તે સાંભળી જીવનપર્યન્ત સંસાર નિરસ બનાવે છે. આટલા જ માટે 'બે જણે વાત કરે જ્યાં છાની ત્યાં ઉભા નવ રહીયેજી' ની કહેવત છે. આટલા જ માટે તે પાપ લેખાય છે. જે ભૂજંગલાલને ઘાંટો ઓળખતી તરલાની છાતી ધબકવા લાગી હતી, શરીરનાં રૂંવે રૂંવા ઉભા થયાં હતાં, જે ભૂજંગલાલને બચાવવા પોતાના અંતરના સ્નેહાળ પતિની પ્રેમ, ક્ષમા અને ઉદાર વૃત્તિથી ભરપૂર ચીઠ્ઠી તરફ દુર્લક્ષ બતાવી દોડી આવી હતી તે જ ભૂજંગલાલના મ્હોમાંથી નિકળતા શબ્દો સાંભળી તરલાના હોશકોશ ઉડી ગયા. ખરેખરો ભૂજંગ-સાપ આજ જ કરડ્યો હોય એમ લાગ્યું.

'શણગારભાભી હું કંટાળ્યો. તમારી સલાહ અને મદદ આમાં કામ ન લાગ્યાં. લીલા મારી પાછળ આંધળી થઈ હતી, પણ લગ્નની ધુંસરી આપણે લેવા તૈયાર નહોતા. એમને એમ ફસાઈ નહી અને કહેવા વિચાર કરતો હતો ત્યાં તરલા નજરે પડી. ખરે ! લીલા કરતાં તરલા હજાર દરજજો ચ્હડે. લીલાને ચીડવવા તરલાની પાછળ જાળ પાથરી અને લીલા નિરાશ થઈ ખાટલે પડી. તેમાં હું શું કરું? લગ્ન માટે હું કહેવા નહોતો ગયો, અને લગ્ન મારે કરવું નહોતું. દુનિયામાં લગ્ન એ વસ્તુ જ નકામી છે. એમાં સ્વતંત્રતા શા માટે નહી ? ઈશ્વર હોય તો ત્હેની, નહી તો આપણી સૃષ્ટિમાં લગ્ન માત્ર મનુષ્યમાં જ બંધનરૂપ છે. કેમ શણગારભાભી ! તરલાને પણ ફસાવવા બાજી રચી,