પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરલા અથવા ઉર્મિનો આવેગ

 "એકલાં. રામા ! તરલાને જરાયે અગવડ ન પડે એમ તજવીજ રાખજે. એને સુવા બેસવાનો ઓરડો સાફસુફ કરાવી રાખજે. આ તાર ત્હાર શેઠાણીને બતાવી આવ.”

રામો તાર લઈ ગયો પણ અડધી મીનીટ થઈ નહી હોય ત્યાં તાર લઈ પાછો આવ્યો.

“સાહેબ ! શેઠાણી કહે છે કે, ‘મ્હારે તારને શું કરવો છે ? હું તો જાઉં છું અને તમારે ફાવે તેમ કરો.’”

વસન્તલાલ જુના જાણીતા પણ નોકરની આગળ ફજેતી થતી જોઈ ચ્હીડાયો. પાછો શાન્ત થયો અને સહજ હસીને બોલ્યો, “રામા ! કેમ કરવું?”

“સાહેબ ! કરવું શું ? બ્હેન ક્યાં મહેમાન છે ? બધી ગોઠવણ થઈ જશે.”

“થશે ?”

“એમાં શું શક ?”

એટલામાં છોકરાંને ભણાવવા આવેલી મહેતીજી દાખલ થઈ ને રામો બહાર ચાલ્યો ગયો. મહેતીજીને જોતાં જ વસન્તલાલ–અકળાયેલો વસન્તલાલ– ગુસ્સે થયો અને બોલ્યો:—

“વળી આજે ત્હમારૂં અહીં શું કામ હતું? જાણતા નથી કે ત્હમારે લીધે મારા ઘરમાં હોળી સળગી છે? બોલો શું કામ છે ?”

“કામ એટલું જ કે ત્હમે ભાભી પાસે જાવ, એમની માફી માગો, એમને શાન્ત કરો. છોકરાં બીચારાં ગાભરાં ગાભરાં ફરે છે. ભાભીને શાન્ત નહી કરો તો મરી જશે. મ્હારાથી એમના મ્હોં સામુંએ જોવાતું નથી.”

“પણ એ મ્હારું સાંભળે છે ક્યાં ? પા કલાક પાસે બેસે કે બેસવા દે તો ને?”

“પણ ત્હમારી ફરજ છે કે ત્હમારે એમની પાસે જવું. આજથી હું ત્હમારે ત્યાં નહીં આવું. મ્હારે લીધે ઘરનો આનંદ ગયો તે માટે