પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૧૨ મું.
વીણા.

સુરતમાં બેચાર માસ થયા ગોપીપુરામાં એક અમદાવાદી કુટુમ્બ આવી વસ્યું. ન્યાતજાતનો પડોશ પરદેશમાં સારો, ભાયડાઓ નોકરીને અંગે આખો દિવસ બહાર જાય ત્યારે બપોરે બે ઘડી કોની સાથે બેસીયે એ બૈરાંના વિચારે પબ્લીક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) કીશોરીલાલને આ ઠેકાણે ઘર લેવું પડ્યું હતું. કિશોરીલાલ એલ. એલ. બી. હતા. અમદાવાદની સોસાયટીમાં અગ્રેસર હતા, પરંતુ દુર્ભાગ્યે પત્ની વિચિત્ર મળી હતી. પત્ની કેળવાયેલી હતી, પરંતુ મૂળ ગામડામાં ઉછેરલી, જુના સંસ્કારમાં જન્મેલી એટલે ન્યાત, જાતની કુથલી, જમવા ખાવામાં, આને ઘેર તેને ઘેર જવામાં જ એને મજા પડતી. કિશોરીલાલ પત્નીને હાર પાડવા, ક્લબ, સોસાયટીમાં આગળ પડતો ભાગ લે એવી કરવામાં, પોતે એક નમુનાદાર જીવન ગાળે છે એમ માત્ર બતાવવા જ નહી પણ ખરેખર એમ જ છે એમ માની બતાવવા બહુ બહુ યત્ન કરતો અને પરાણે સંતોષ માનતો. પરંતુ પત્ની પતિની ગેરહાજરીમાં કેવળ નિષ્પાપે પતિના પ્રયત્નો વખોડતી. એને જેટલી મજા અજ્ઞાન કે અર્ધદગ્ધ સ્ત્રીઓની વાતોમાં પડતી અથવા એકાંતમાં ગમે તેવાં પુસ્તકો વાંચવામાં પડતી તેટલી મજાહ પતિના બાહ્ય [૧] જીવનમાં-પતિના દર્શાવેલા માર્ગમાં, પતિની સાથે ચાર સભ્ય પુરૂષ કે સ્ત્રીઓને મળવામાં પડતી નહીં. અને આમ છતાં તે પતિને પૂર્ણ પ્રેમથી ચહાતી, પતિની કીર્તિ સાંભળી સંતોષાતી. બાલ્યાવસ્થાના, ગ્રામ્ય [૨] જીવનના સંસ્કાર શી રીતે ખસેડાય!

આ પતિપત્નીને વીણા નામની એકની એક પુત્રી હતી. પુત્ર કે પુત્રીમાં આજ હતું એટલે એને કેળવવામાં, લાડ લડાવવામાં


  1. ૧. બહારના.
  2. ૨. ગામડાંનાં