પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦
તરલા અથવા ઉર્મિનો આવેગ.


ભૂજંગલાલ જેવા અનેક સહેલાણીઓ-સ્વછંદી માતાના હાથે ઉછરેલા સહેલાણીઓ-દરેક સોસાયટીમાં હોય છે. લીલાની પાછળ ભમતાં ભૂજંગે તરલાને જોઈ અને તરલાની પાછળ ભમતાં વીણાને જોઈ. મુંબઈમાં બેકબે, ચોપાટી કે બેન્ડસ્ટેન્ડ ઉપર જેમ જીવતા સાપ ફરે છે તેમ દરેક કોમમાં ઝેરી સાપ ફરે છે. ભૂજંગલાલ આમાંનો એક સાપ હતો. બીજી રીતે કેળવાયેલો-શુરો-બુદ્ધિશાળી હતો, પરંતુ એનામાં આ જ મ્હોટો ગભીર દોષ હતો. માતા નંદાના જ સંસ્કારો પડ્યા હતા. આ ખરાબ છે એમ કોઈ કહેનાર–એને વારનાર–મળ્યું નહોતું. અને આવા મનુષ્યને દમમાં રાખનારી-અંકુશરૂપ પત્ની ન મળે તો તે જનસમાજને ત્રાસરૂપ થઈ પડે છે. ભૂજંગલાલનું બાહ્ય જીવન એવું હતું કે એને મ્હોયે એને કોઈ કહી શકતું નહીં. સૌ એનાથી અંજાઈ જતાં અને એની ઓળખાણ-એની સાથે વાતચિત કરવામાં માન ગણાતું. છેવટના દિવસોમાં જ્યારે તરલા અને ભૂજંગલાલ વચ્ચે લગ્નક્રિયા માટે તકરાર થવા માંડી, જ્યારે તરલા ઉપર અંકોશ મેળવવામાં તે નિષ્ફળ ગયો તે અરસામાં વીણાના દર્શન ભૂજંગલાલને થયાં. વિણાએ ભૂજંગલાલનું નામ સાંભળ્યું હતું પણ નજરે જોયો નહોતો. ભૂજંગલાલે વિણાનું નામ સાંભળ્યું નહોતું. માત્ર થોડા વખતથી સુરતમાં આવેલી એક નવી કોકીલાના સંગીતથી લોકો મુગ્ધ *[૧] થતાં હતાં એટલું જ સાંભળ્યું હતું, એ સુંદરી તે જ એ—એ જ વીણા એ પણ શણગારભાભીને ત્યાં ખબર પડી અને ભૂજંગાલાલ શણગારભાભીના શબ્દે વધારે જાગૃત થયો. 'વીણાના શા ભાર છે કે મ્હને ઉરાડે ! શણગારભાભીના શબ્દો એમના મ્હોમાં પાછો નંખાવું. ઇઉં તો ખરો. જો વીણા શણગારભાભી કહે છે એવી સ્વચ્છેદી, મીજાજી, અભિમાની હોય તો એને નરમ કરવા ખાતર જ લગ્નક્રિયાથી પરણીશ અને પરણીને એનો ગર્વ ઉતારી સ્વચ્છંદી જીવન ગાળીશ.


  1. ૧. અંજાઈ જતાં.