પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રીસ.

દિલગીર છું. પરમેશ્વર મ્હેને અને ત્હમને માફ કરશે. જે ઘરમાં સ્ત્રીઓ વિના કારણે દુઃખ પામે છે ત્યાં સુખ સ્વપ્ને પણ નથી રહેતું. પાપીને ક્ષમા !” ને આટલું કહી મહેતીજી ચાલી ગઈ.

“હું જાઉં છું, અંતઃકરણપૂર્વક ક્ષમા માગીશ. આવી રીતે ઘરસુખનો નાશ થતો હોય તો પછી બીજાં બહારના ક્ષણિક સુખ શા કામનાં ?......ચંદા ! વહાલી ચંદા ! ક્ષમા આપ. આજથી આ વસન્તલાલ જુદો જ છે.... પણ માનશે? એનો સ્વભાવ હઠીલો છે. તરલા સમજાવે ને સમજે તો. અરે રામ! અનીતિ–અનીતિના વિચાર દાખલ થતાં એના એ ઘરમાં કેટલો ફેર થઈ જાય છે ? આજ છોકરાં, આજ ચંદા અને હું પોતે કેટલાં સુખી હતાં, એ સુખ ક્યાં ગયું ? હવે નહીં મળે ? શું પતિત પશ્ચાત્તાપ કરે–જીવન સુધારે તે દયાને, સ્નેહને પાત્ર નથી ? તો શું હું ને ચંદા ફરીને એકવાર, હંમેશને માટે હતાં તેવાં નહી થઈએ ?”



પ્રકરણ ૩ જું.
રીસ.

ચંદાએ સાદું ધોળું ગવન પહેર્યું હતું. આખી રાતના ઉજાગરા અને રોવાથી આંખો સુજી ગઈ હતી. નાના મેજ પાસે ખુરશી ઉપર બેસી ખાનાં ઉઘાડી પોતાના વ્હાલા વસન્તલાલની પ્રેમપત્રિકાઓચીઠી–જુની ચીઠી–કાગળ કાઢી વાંચતી. દરેક કાગળમાં લખ્યું હતું કે, “તું જ મ્હારી આંખની કીકી છે.”

"એનાએ જ આ કે? ત્યારે એ શબ્દો ખોટા કે? લગ્ન કરતાં પહેલાં ને પછી આમ અમો અબળાને કેટલા પુરૂષો છેતરતા હશે ! અમે એવાં હોઈએ, અમે એમને નડતાં હોઇએ ને અમારો તિરસ્કાર કરે તે તો ઠીક, પણ અમે એમને માટે જીવ આપીએ, ચાહીએ છીએ એમ કહે, બબે ચચ્ચાર છોકરાંનાં માબાપ થાય પછી અમારો ત્યાગ કરે એ કેમ સહેવાય ?”