પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧
વીણા.


ભૂજંગલાલ કે શણગારભાભી બેમાંથી એકેને તરલાના આવ્યા ગયાના ખબર પડ્યા નહોતા એટલે નિશ્ચિત [૧] હતાં. ભૂજંગલાલ ગયો. તરલા બેચાર દિવસથી આવતી નહોતી તે માત્ર સુમનલાલને લીધે જ. બેમાંથી એકકેએ તપાસ કરી નહી. શણગારભાભી તપાસ કરવામાં આળસુ થયાં હતાં પણ ભૂજંગલાલ બેદરકાર હતો. તરલા મળતાં લીલાને વહેતી મૂકી હતી, તેમ વીણાના નાદે ભૂજંગ મોહ્યો હતા. એ વિણાનો નાદ શોધતો હતો એટલે તરલા ન સાંભરે એમાં નવાઈ નહીં. વીણા કુંવારી છે, વીણાને માટે વર ખોળાય છે, વરમાં પોતાનું નામ પણ ગણાય છે. વીણા સોંદર્યવાન, પૈસાદાર, શોખીલી, હોંશીયાર છે, એ જાણતાં ભૂજંગે પોતાની ફેણ વિસ્તારવા માંડી. ન્યાતજાત, સગાંસંબંધીઓમાં જ્યાં મીજલસ, ગરબા કે ન્યાત હોય અને પોતાને નિમંત્રણ [૨] હોય તો ભૂજંગલાલ ત્યાં જતો. પાછળ રહી ગમે તે બહાને વીણાને બોલાવવા, એની પાસે ગવરાવવા, કે વગડાવવા પેરવી કરતો. હરબહાને પોતાનું નામ વીણાને કાને જાય એમ કરતો અને એમાં ફાવ્યો. વખત જતાં નંદાગૌરી મુંબઈથી આવ્યાં અને માતાને સમજાવી પોતાને ત્યાં કૌમુદી મહોત્સવની [૩] વ્યવસ્થા કરાવી. મીજલસનું આમંત્રણપત્ર કિશોરીલાલને મળ્યું. આમંત્રણ પત્રિકામાં સહી વાંચતાં કિશોરીલાલ અને ત્હેની પત્ની એક બીજાની સામે જોઈ રહ્યાં. પિતાએ પત્રિકા પુત્રીને આપી. ચતુર વિણા માબાપના ભાવો[૪] સમજી અને સહી વાંચી. ‘ભૂજંગલાલ ! હાશ! ઘણું દહાડાની તરશ આજ છીપશે. એમને વિશે બહુ સાંભળ્યું હતું. લીલા–તરલા એની પાછળ ગાંડા થયાં હતાં તો એ કૉન છે એ તો જોઉં ! હું કાંઈ લીલા કે તરલા નથી, વીણા છું. વીણા ભૂજંગને નચાવે છે, [૫] ભૂજંગ


  1. ૧. નચિંત.
  2. ૨. નોતરું
  3. ૩. ચાંદનીનો (માણેકઠારી પુનેમનો ઉત્સવ.)
  4. ૪. મનની લાગણી.
  5. ૫ વીણા નામનું વાજીંત્ર સાપને નચાવે છે.