પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
તરલા અથવા ઉર્મિનો આવેગ

 વીણા મળે તો જ લીલા-તરલાને થાય કે એમના કરતાં સરસ મળી, તો જ એમને પસ્તાવો થાય.' એમ વિચાર આવતાં નંદાગૌરી ઘેર ગયાં. ભૂજંગને પાર્ટીનો વિચાર જણાવ્યો. પુત્રને તો ભાવતું હતું ને વૈદે કહ્યું. પાર્ટીનો દિવસ નક્કી થયો અને આમંત્રણપત્રો નિકળ્યા.

પૂર્ણિમા હતી. આકાશમાં પૂર્ણ ચન્દ્ર બરફ ઉપર સરે તેમ સરતો હતો. ભૂજંગલાલના ઘરની વિશાળ અગાશીમાં પાર્ટીની વ્યવસ્થા રાખી હતી. અગાશીના ઘોરા ઉપર થોડે થોડે છેટે ભિન્ન ભિન્ન જાતનાં ગુલાબ-મોગરો-ચંપો વગેરે થી ભરપૂર ફલાવરપૉટો મૂકેલાં હતાં. કોચ, બબે ત્રણત્રણ ખુરશીઓ ગોઠવાઈ હતી. નાના નાના મેજો ઉપર સફેદ રૂમાલો પાથરી તે ઉપર રૂપાની અને કાચની સફેદ તાસકોમાં સૂકો મેવો, બરફી વગેરે ગોઠવ્યાં હતાં અને નાની નાની માર્બલની ત્રીપાઈ ઉપર રૂપાના લોટામાં બરફનાં પાણી હતાં. એક બાજુ મોટા રૂપાના ત્રાટમાં સુગંધીદાર-મશાલાદાર દુધના પ્યાલા ચંદ્રકિરણમાં ચળકતા હતા. સાડાનવ થયા અને સ્ત્રી પુરૂષોનાં ટોળાં આવવા લાગ્યાં. નંદાગૌરી સ્ત્રીવર્ગને અને ભૂજંગલાલ પુરૂષવર્ગને આવકાર આપતાં હતાં. સુરતમાં ભૂજંગલાલ માનીતો હતો અને તેમાં તરલાના બનાવે વધારે જાણીતો કર્યા હતો. તરલાને માટે જ આ પાર્ટી છે એમ કેટલાંક માનતાં. 'સુમનલાલ આવશે કે ? તરલા હશે કે ? ચાલોને જોવાની મજાહ પડશે' એ વિચારે પણ ઘણાં આવ્યાં હતાં. દશ વાગ્યા, સાડાદશ થયા પણ ન મળે તરલા કે સુમનલાલ અને બધાં આવનારાં નિરાશ થયાં. એટલામાં હાર્મોનીયમના અવાજની સાથે મધુર સંગીત નિકળ્યું. સંગીતનો ધ્વનિ [૧] કાને પડતાં જ દુધના પ્યાલા, બરફીના કકડા અને મેવો હાથમાં જ રહ્યો. સર્વત્ર શાન્તિ ફેલાઈ અને સર્વની નજર આવતા સુમધુર સંગીત તરફ ગઈ. વીણા હાર્મોનીયમ વગાડતી હતી અને સાથે સાથે ગાતી હતી. શણગારભાભી અને નંદાગૌરીના


  1. ૧. અવાજ.