પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯
ભૂજંગલાલને ત્યાં.


બને વચ્ચે માન, સદ્ભાવ, સ્નેહ વધે એવા પ્રસંગો ઉત્પન્ન કરવા ઈચ્છતો, અને એટલા જ માટે વીણાને આ પ્રશ્ન પૂછ્યો. વીણા સઘળું સમજી હતી અને નીચી નજરે 'ભલે' એટલો જ ઉત્તર આપ્યો. કિશોરીલાલ ગયો અને શણગારભાભી ભૂજંગલાલને લઈ ફરતાં ફરતાં આવ્યાં.

'ભૂજંગલલાલ ! આ અમારી વીણા ! તમારા મુંબાઇમાં આવું મધુર કોઈ ગાય છે? છતાં કેવી શરમાળ છે ? વીણા ! આ ભૂજંગલાલ ! એમને ત્યાં આવીને બોલીયે નહી તે અપમાન કર્યું કહેવાય.'

'શણગારકાકી! હું કયાં નથી બોલતી ? આજની પાટીમાં ખરો આનંદ પડ્યો. અમારા અમદાવાદમાં તે આવી પાર્ટી થાય નહી, અને આમ બધાની વચ્ચે કુંવારી કે પરણેલી છોકરીઓથી ગવાય નહીં.'

'વીણા! અમારે સુરત-મુંબઈમાં તે એવું નથી. આ શણગારભાભીને લીધે સુરતમાં અમારે સુખ થયું છે.'

'શણગારકાકી! તરલા બ્હેન કેમ દેખાતાં નથી ? કહે છે કે એ બહુ સારું ગાય છે !'

'વિણા! તમારા જેવું નહિ. તરલાનો સૂર તમારા જેવો નહિ. સૂર કરતાં એ કાવ્યની ખૂબી ઓર જ છે.'

'ભૂજંગલાલ ! લીલા કરતાં તરલા સારી લાગી અને તરલા કરતાં હું સારી લાગી-કાલ વળી બીજી સારી લાગશે.'

'વીણા ! વીણા ! જેટલું આવડે એટલું બોલીયે નહી. એ તો ઠીક છે કે ભૂજંગલાલ છે-બીજાને ખોટું લાગે.”

'શણગારકાકી! એમાં શું ખોટું બોલી ? મ્હને નકામી ખુશામત ગમતી નથી.'