પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


આવ્યો છું. મ્હારે અંગતનું જરૂરી કામ છે અને ત્હમે ન્યાતના એટલું જ નહિ પણ બાળસ્નેહીં છો એટલે.'

'સુમનલાલ ! એ શું બોલ્યા ? હું તમારો જ છું. મને કાયદાને અંગે જે ખરી લાગશે તે જ સલાહ આપીશ. બોલો ! કોઇ નથી અને હમણા કોઈ અંદર નહી આવે એમ મ્હેં વરધી પણ આપી છે.'

'માકુભાઈ ! કદાચ સુરતની અફવા તમારે કાને આવી પણ હશે. પણ આ વાત આપણા બેનાથી ત્રીજાને કાને ન જાય હોં !'

માકુભાઈ સોલીસીટર જરા ગંભીર બન્યા ને બોલ્યા, 'જો પેટમાં વાત ટકી શક્તી ન હોત તે સોલીસીટર તરીકે અમારાથી રહેવાત નહી. '

'માકુભાઈ! મને પૂરેપૂરો ઓળખ્યો છે?'

'સુમનલાલ ! આચો પ્રશ્ન શા માટે ? સુમનલાલને ન ઓળખે એવું મુંબાઈમાં-ગુજરાતમાં કોણ છે ? પેલા કોકેન કેસમાં સ્ટીમરના કેપ્ટન પાસેથી હોશીયારીથી જથ્થાબંધ કોકેન કહાડવનાર તમે જ કે બીજા ? તરલા જેવી સુશીલ કન્યાના થનાર પતિ તે તમેજ કે બીજા ?'

'માકુભાઈ ! એ તમારી સુશીલ તરલાના પતિ થવાનું દુર્ભાગ્ય મ્હારું છે.'

'દુર્ભાગ્ય શા માટે ?'

'અમારી સગાઈ થઈ છે, અમે એકજ ઘરમાં રહીએ છીએ, અમારાં લગ્ન નથી થયાં પણ હું એ સગાઈ તોડવા માગું છું.'

'આપણી ન્યાતમાં સગાઈ તૂટતી નથી.'

'હા, અને એટલાજ માટે તમારી સલાહની જરૂર છે.'

'તો એમ સાબીત થવું જોઈએ કે વર અને કન્યામાંથી એક સમર્થ નથી અને ત્રીજું ગેરવર્તણુંક.'

'પહેલી બે શરતો મ્હારા કેસમાં–અમારા કેસમાં–નકામી છે.'

'ત્યારે ત્રીજી ?'