પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


છતાં વગર ટીકીટે મુસાફરી કરનારા બારોબાર પૂલ ઉપરથી જ ડાઉન પ્લેટફોર્મ ઉપર જતા હતા. સુમનલાલ આમાંનો એક હતા. સુમનલાલ પુલ ઉપર ચઢ્યો. ત્યાં સામે ઘૂઘવાટ કરતો વિશાળ સમુદ્ર નજરે પડ્યો. સમુદ્રનાં મોજાં સુમનલાલની પાપમય—આપઘાતની લાગણની રૂપ ધરી ઉછળતાં હતાં. આકાશનું તેજ તરલાના પૂર્વ પ્રેમ જેવું ચળકતું હતું અને ક્ષણવાર આનંદ પસારતું હતું. કોલાબાની દીવાદાંડી સુમનલાલના મગજની માફક ચકર ચકર ફરતી હતી. સુમનલાલ પૂલ ઉપર અપ અને ડાઉન પાટા જોતો ઉભો જ રહ્યો, પૂલ ઉપર ભીડ થવા ન દેનાર પોર્ટર “સાબ! ખડે મત રહો” બે ચાર વાર કહી ગયો, પણ સુમનલાલે તે ઉપર ધ્યાન ન આપ્યું. ફાસ્ટ ગાડી આજ લેટ હતી. ૭–૪૫ થઈ ગયા હતા, દૂર જનારા ઉતારૂઓ અધીરા થઈ ગયા હતા. એમને ઘેર જ્વાની ઉતાવળ હતી. સુમનલાલને બીજી ઉતાવળ હતી. ચર્ચગેટનું સ્ટેશન પ્લેટફોર્મ ઉપરની હરફર, દરિયો, હાયકોર્ટ, બેન્ડસ્ટેન્ડ, આકાશ, પૂલ, સર્વ ફરતાં હતાં. તરલાની સાથે મુંબઈ ઘણી વાર આવ્યો હતો ત્યારે બને આજ પૂલ ઉપર ઉભા રહી કુદરત નિહાળી આનંદ પામતાં હતાં અને ક્યારે પરણીયે એમ એમનાં હૃદય કહેતાં હતાં. એજ સુમનલાલને તરલા મૃત્યુનું કારણ થઈ પડી હતી. તરલા અત્યારે આવે, ફરીને પગે પડે, ભૂજગલાલ અને મ્હારે કાંઈ જ નથી, જે છે તે તમેજ એમ કહે તો આ જ સુમનલાલ અત્યારે તો કાયદા, ન્યાય, આપઘાતને વિસારી જરૂર પુલ ઉપર જ હજાર માણસો સમક્ષ, સ્વચ્છ આકાશ, ઘૂઘવતો દરિયો અને સરતા ચંદ્રની હાજરીમાંજ પ્રણય કોલ આપે. પરંતુ એ કયાં ? ફાસ્ટ જેટલી મોડી આવે છે તેટલી બીજી દુનિયામાં જવાની વાર થાય છે. આઠ વાગ્યાથી નાટકશાળામાં જઈ બેસી રહેનારને સાડાનવ થતાં, ત્રણ ઘંટડીમાંથી બાકી રહેતાં જે મનની સ્થિતિ થાય તે સ્થિતિ સુમનલાલની આ જ હતી. ક્યારે હાથ પડે, ક્યારે ફાસ્ટ આવે ને હું પડું, એમ એને થતું હતું. સુમનનું હૃદય ધબકતું હતું. રખેને પડતાં કોઈ અટકાવે, રખેને એન્જીનની