પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૯
કાયદો, ન્યાય કે આપધાત.


આગળ પડવાને બદલે ડબા ઉપર કે એની આગળ પાછળ પડું. એમ થયું તો મરવાનું તે ગયું ને પાછી હાંસી થવાની'.

એટલામાં કેબીનનો ઘંટ વાગ્યો. ઝાંપા બંધ થયા, હાથ પડ્યો ને દુરથી એજનનો દિવો દેખાયો. ફાસ્ટમાં જનારા જાગૃત થયા, પાછળ પડી ગયેલા પુલ ઉપર દોડવા લાગ્યા. 'બાંદરા લોકલ કે?' 'બાંદરા ફાસ્ટ?' 'દાદર ઉભી રહેશે કે ?' 'એકદમ બાંદરા', એમ અંદર અંદરથી અવાજ આવતા હતા. વાંદરા અને ચર્ચગેટની વચમાંનાં સ્ટેશન ઉપર જનારા ધીરે ધીરે જતા હતા. દૂર જનારાને માર્ગ આપતા હતા. ગાડી દેખાઈ. દૂર દેખાતી સીગ્નલ પાસે આવી. સુમનલાલને સ્વર્ગ દેખાવા લાગ્યું. તરલાની છબી ક્ષણવાર નજરે આવી, ક્ષમા માગતી હોય એમ લાગી. એક બાજુ તરલા ને બીજી બાજુ ગાડી બોલાવતી હોય એમ લાગ્યું. એક પત્થર માફક ઉભો હતે. ઇન્જીન પાસે આવે ને પડું એમ નિશ્ચય કર્યો. ફાટકવાળાએ નાનો ઝાંપો બંધ કર્યો. એક યુરોપીઅન પાટે પાટે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જવા નિકળ્યો ત્યાં પોર્ટરોએ 'સમાલો’ની બૂમ પાડી. સમાજોની બૂમની સાથે જ સુમન ટટાર થયો. 'બસ એ જ. તરલા ! જાઉં છું. હું ત્હને પ્રેમથી ચાહતો હતો, ચાહું છું. ત્હારી સાથે સુખી જીવન ગાળવાની મારી આશા ગઈ. પ્રભુ સાહુને સુખી રાખે. તરલા! તરલા!'

આટલું બોલી સુમન કુદવાની તૈયારી કરે છે ત્યાં એક દંપતિનું જોડું અને બે ત્રણ છોકરાં ધીરે ધીરે પુલ ઉપર જતાં હતાં. એમને ફાસ્ટ ગાડી પકડવાની નહી હોય એમ લાગ્યું. બે છોકરાં આવતી ગાડી જોવા સુમનની સાથે જ ઉભાં હતાં. આ બે છોકરાંમાંની એક છોકરી હતી. છોકરીને હાથ સુમનના બુટ નીચે દબાયો, કારણ સુમન પુલના ઘોરા ઉપર પગ મૂકી કુદવાનો વિચાર કરતો હતો. હાથ ચગદાતા છોકરીએ ઉંચું જોયું. સુમનના સામું જોઈ રહી ને એકદમ 'બા–બા, સુમન ફુવા! સુમન ફુવા ! ભાઈ બેલાવે' કરી ફુવાનો હાથ એણે પકડી રાખ્યો.