પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


છોકરાંને તજી શા માટે જવા તૈયાર થઈ છે ? તું જે કહે તે કરવા, તે શિક્ષા ખમવા હું તૈયાર છું.” ચંદા ક્ષણવાર શાન્ત રહી ને પછી બોલી, “છોકરાં ! છોકરાંને ને તમારે શું છે ? હું ને છોકરાં તો ત્હમારે મન રમકડાં ! મ્હારે મન તો છોકરાં મ્હારું જીવન છે. અત્યાર સુધી ત્હમારા હાલ ઉપર મ્હારો આધાર હતો, હવે આ છોકરાં એ જ. એમને જોઈ આંસુ પાડી, ભૂતકાળ સંભારી દહાડા પૂરા કરીશ. છોકરાંને લઈ જાઉં ને? કેમ થયું પૂછે તો શો જવાબ દેવો ? અહીં રહે તો ? મ્હારાં છોકરાને બેવફા પતિ–એમની માને દગો દેનાર પાસે રહેવા દઉં? એ કેમ બને ?”

ચંદાના એક એક શબ્દ વસન્તલાલ–પશ્ચાત્તાપથી નરમ બનેલા–શરમિંદા પડેલા વસન્તલાલને નરમ ને નરમ બનાવતા હતા. વસન્તલાલની આંખમાંથી આંસુ વહ્યે જતાં હતાં અને પાસે આવી બેઠો, “ચંદા ! પ્રિય ચંદા ! હવે ત્હારો શો વિચાર છે? હું શું કરું તો તું શાન્ત થાય?”

“શું કરો તો શાન્ત થાઉં ? ત્હમારા ઢોંગથી હું હવે ફસાવાની નથી. એમ ભોળાવાની નથી. ત્હમારું મ્હોં જોતાં હું બળી જાઉં છું. તમારો સ્નેહ તે સ્નેહ નહોતો એમ મને લાગે છે. ત્હમારૂં વ્હાલ તે વ્હાલ નહી પણ મારા શરીરનો મોહ હતો. ત્હમે મ્હને ખરા જીગરથી કદી ચાહતા જ નહીં એ આજ ખબર પડી. ત્હમને નથી દરકાર વ્હાલની. કે મ્હારા દીલના ચીરાવાની, નથી દરકાર છોકરાંની કે નથી દરકાર આબરૂની.”

વસન્તલાલ ચંદાના સામું જોઈ જ રહ્યો. પોતે જેમ જેમ કાકલુદી કરતો હતો, જેમ જેમ નરમ થતો હતો, તેમ તેમ ચંદા વધારે ને વધારે ઉશ્કેરાતી, વધારે ચંડિકારૂપ પકડતી હતી. આમાંથી શું થશે અને એનું શું પરિણામ આવશે એથી બીતો વસન્તલાલ ઉભો હતો ત્યાં બહાર છોકરાંની દોડાદોડ–હસાહસ સંભળાઈ.

છોકરાંનો અવાજ સાંભળતાં જ ચંદા જાગૃત થઈ, ચોગરદમ જોતી ઉભી રહી. બીજી જ પળે વિચાર આવ્યો હોય તેમ બારણા તરફ દોડી.