પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


રહેતો નથી. "વળી કેને ખોળવો ? બીજો કેવો મળશે ?” શા માટે વિવાહ ભાગ્યો હશે તેવી અફવા ચાલવાથી કોઈ વર કન્યાને કબૂલ કરતા નથી. વસન્તલાલને આ બધા વિચારે થઈ આવ્યા. સુમનલાલ અને તરલાનું જેડું-જુગતું જેવું હતું એમ માનતા હતા ત્યાં આ શું એમ થયું.

‘સુમન ! હું માનતો નથી. એ બને જ નહી.”

'પણ હું માનું છું તે ! મારે સગાઈ તોડવી છે. વસન્તલાલ ! માફ કરશો, પણ મ્હારે દીલગીરીની સાથે સગાઈ તોડવાની ફરજ પડે છે.'

'સુમન ! તું ગંભીર ભૂલ કરે છે. ત્હારામાં કોઈ જાતનો દોષ નથી, તું પવિત્ર જીવન ગાળે છે, ને તરતા-તરલા મ્હારી બહેન છે પણ હું એને નાનપણથી ઓળખું છું. તરલા પવિત્ર છે, શુદ્ધ છે; એને માટે કાંઈ સાંભળ્યું હોય, કોઈ દ્વેષીએ ઉરાડ્યું હોય તે માનીશ નહી. તરલા જેવી પત્ની મળતાં તું સુખી થઈશ.”

'વસંતલાલ! મારી ભૂલ નથી. તરલામાં તમે દોષ જોઈ ન શકો એ સ્વાભાવિક છે.'

'સુમનલાલ ! કદાપિ ભૂજંગ સંબંધી તમે કહેતા હશો, પણ એ વાતમાં કાંઈ જ દમ નથી. નાહક વ્હેમાઈ જીવન બદબાદ ન કરે. લોકોમાં નિન્દાપાત્ર થશે. તમે પુરૂષો તો ભૂલાઈ જશો પણ ગરીબ બિચારી તરલા હલકી પડશે. મ્હને ચંદાએ એ સંબંધી વાત કરી હતી, પણ હવે એમાંનું કાંઈ જ નથી. સાહસ [૧] ન કરશો એટલી જ મ્હારી ભલામણ છે.'

'એમાં સાહસ જેવું છે જ નહી. મને અનુભવ થયો છે, પુરાવા છે, એટલે એમાં કોઈની સલાહ લેવા જેવું રહ્યું જ નથી.'

'તે હશે, પણ હજી વિચારો. હજી વાત બગડી નથી. ચંદાને વાત કરો. ચંદાના નિરસ થયેલા જીવનમાં રસ રેડનાર, અમારા જીવનને ઓપ આપનાર, અમને સ્વર્ગ સુખે આણનાર તરલા હતી-છે.


  1. ૧. ઉતાવળપણું.