પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


દેતી નહી. ભૂજંગલાલ-તરલાની વાત મુંબાઈથી લાનોલી સુધી આવી હતી, પરંતુ લીલાએ એમાં મરચું મીઠું ભભરાવી જેમ બને તેમ ભૂજંગલાલને વાંક નિકળે એમ વ્યવસ્થા કરી હતી. લીલાની માતા શરૂઆતમાં અરવિન્દને બદલે ભૂજંગલાલને લીલાના પતિ તરીકે જોવા ઉત્સુક હતી અને અરવિન્દ પ્રત્યે સદૂભાવ નહોતો દર્શાવ્યો એ આપણે જોઈ ગયા છીએ. લીલાના પિતાને અરવિન્દ માટે પક્ષપાત હતો પરન્તુ પત્ની આગળ ત્હેનું ચાલ્યું નહિ, અને લીલા તે વખતે ભૂજંગના મોહભર્યા મીઠા શબ્દથી અંજાઈ ગઈ હતી, અને તેની પ્રિય સખી વિનોદે અરવિન્દ સામે કાન ભંભેર્યા હતા એટલે લીલાને પણ અરવિન્દ અકારો થઈ પડ્યો, અને ઉત્સાહભેર આવેલા અરવિન્દને નિરાશ કરી કાઢ્યો. વખત જતાં ભૂજંગલાલ પ્રત્યેનો મોહ ઓછો થતો ગયો નહિ, પણ ભૂજંગલાલ તરલાની પાછળ ભમે છે, ભૂજંગલાલને પોતાના કરતાં તરલા વધારે ગમી છે, એ વિચારે લીલાના જીવનનો મોહ ઉડી ગયો. સંસાર શુષ્ક [૧] લાગ્યો. પોતાની પ્રિય વસ્તુ–સંસારનો આધાર-સુખનું સાધન તરલાએ ઝુંટાવી લીધું, એવી સમજથી લીલા તરલા ઉપર ચ્હીડાઈ, એના ઉપર બળવા લાગી. પણ શું કરે ! પોતાના માનીતા ભૂજગે જો પોતાને તરછોડી ત્યાં તરલાનો શું વાંક ! આમ હૃદયનું ખૂન કરનાર ખૂનીને શા માટે ફાંસી ન દેવી જોઈએ એમ લીલાની માતાને થયું. લીલાની સ્થિતિ કફોડી થઈ પડી. પોતાને માટે મરી પડતા અરવિન્દને પોતે તિરસ્કાર્યો. જેને માટે પોતે મરી પડતી તેણે પોતાને તિરસ્કારી. આ બધાના પરિણામે લીલાને મંદવાડ આવ્યો અને વ્હાલસોયાં માબાપ હીઝરાતી–ક્ષયપીડિત [૨] દીકરીને લઈ લાનોલી ગયાં, અને ત્યાં સાત આઠ મહિનાની લાગત સારવારથી લીલા સાજી થઈ.

લીલા ફરીને મુંબાઈ આવી. પહેલાં અને હાલની લીલામાં આસમાન જમીનનો ફેર હતો. લીલાનું હલેતીપણું જતું રહ્યું હતું. પક્ષીની પેઠે તેનો ફડફડાટ અને આનંદી સ્વભાવ નાશ થયો હતો.


  1. ૧. સુકો, રસ વિનાનો.
  2. ૨. ક્ષય-ખહીથી પીડાતી.