પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૫
અરવિન્દ અને લીલા.


સંસાર વનમાં કાંટા છે જ નહી એ માન્યતા જતી રહી હતી. સઘળું સારું જ-આનંદમય છે એમ લીલા હવે સમજતી નથી. લીલા મુંબાઈ આવી વિનોદને મળી. પહેલી જ ભૂજંગલાલની વાત નિકળી. ભૂજંગે લીલાને છેડી તરલાને માટે ફાંફાં માયાં, ત્હેની સાથે લગ્નક્રિયા કરવા નહોતો ઈચ્છતો તે, લીલાનો તિરસ્કાર, વીણા પાછળ ગાંડો થયેલો ભૂજંગ, મદમસ્ત વીણાની બેદરકારી, ભૂજંગની આજીજીની વાત સાંભળી લીલાથી રોવાઈ જવાયું. અત્યારે તેની નજર આગળ ભૂજંગલાલ અને અરવિન્દ બને ઉભેલા લાગ્યા. અરવિન્દનો તિરસ્કાર અને ભૂજંગ માટે પોતાનાં વલખાં સાંભરતાં શરમાઈ. 'વિનોદ ! ખરે કન્યા માટે–યુવાન કન્યા માટે વરની યોગ્યાયોગ્યતા [૧] જોવા માટે કન્યા પોતે લાયક નથી, માબાપ જ છે. તે વખતે મને કોઈએ એમ કહ્યું હત કે અરવિન્દને જ પરણવું પડશે તો હું ઝેર ખાઈ મરત. જે ભૂજંગ મને સ્નેહની મૂર્તિ લાગતો હતો તે જ ભૂજંગલાલ અત્યારે કેવો છે તે સમજી શકું છું. મને અત્યારે લાગે છે કે જે થાય છે તે સારા માટે જ. ભૂજંગને પરણીને હું દુઃખી થાત. કદાચ ભૂજંગને ન પરણવાથી આપઘાત કરવા ધારતી હતી તે પરણીને બીજે જ દહાડે કરત..... હાય ! હાય ! શુદ્ધ સ્નેહની સાચી મૂર્તિ અરવિન્દનો મ્હેં કેવો તિરસ્કાર કર્યો હતો !'

અરવિન્દનો તિરસ્કાર, અરવિન્દ ક્યાં હશે, અરવિન્દ પરણ્યો હશે કે કેમ ? એજ વિચાર લીલાને આવવા લાગ્યા. હમણાં અરવિન્દ્રનું નામ પણ લીલાએ સાંભળ્યું નહોતું. તે દિવસે અરવિન્દ દાદર ઉપરથી ઉતર્યો ને સામેથી ભૂજંગલાલ હરીફ આવ્યો તે દિવસથી અરવિન્દ લીલાના મગજમાંથી ખસ્યો હતો. મુંબાઈ આવતાં, ભૂજંગલાલની હકીકત સાંભળતાં અરવિન્દ સાંભર્યો. એટલું જ નહિ પણ ધરનાં બારણું ઉધડતાં અરવિન્દના ભણકારા લાગવા લાગ્યા. ટપાલવાળાને જોતાં રખેને અરવિન્દનો કાગળ હોય એમ ભાસવા માંડ્યું.


  1. ૧. લાયકી, નાલાયકી.