પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૬
તરલા અથવા ઉર્મિનો આવેગ.


બીજી બાજુ અરવિન્દની જુદી જ સ્થિતિ હતી. બબ્બે વાર મુંબઈ આવી ગયો. લીલા જેવી પત્ની મળતાં ગૃહસંસાર સુખમાં ગાળવાની મોટી ઉમેદો રાખ્યા પછી નિરાશ થતાં મોહમયી મુંબાઈ મુંબાઈની સોસાયટીને તિલાંજલી [૧] આપવા નિશ્ચય કર્યો. પરંતુ હદયમાંથી લીલાની રમ્ય મૂર્તિ ખસેડી શક્યો નહી. ત્હેની સાથે લગ્ન ઉપરથી જ એની વૃત્તિ ઉડી ગઈ. એના ગામડાના શાંત જીવનમાં શાન્તિ વધારનાર, સ્નેહરાજ્ય સ્થાપનાર પત્ની પોતાને ન મળે તો કેવળ ઈન્દ્રિયસુખ માટે પત્નીની જરૂર અરવિન્દને નહોતી. અરવિન્દના વિચારો, અરવિન્દની જીવન–ભાવના ઉંચી હતી. લીલાને છોડી અરવિન્દ પોતાને ગામ આવ્યો, ત્યાં એકવાર વસન્તલાલ આવ્યો અને લીલા ભૂજંગની આડકતરી રીતે ખબર પૂછી. ભૂજંગે લીલાને ત્યજી ને લીલા ગંભીર મંદવાડમાં છે એની ખબર મળી હતી. પરંતુ હવે આ સ્થિતિએ પહોંચ્યા પછી ખબર કહાડવી ઠીક ન લાગતાં મુંગો રહ્યો. પોતાની જાગીર કેવી રીતે સુધારવી, ખેડુતને કેમ સુખી કરવા, એજ અરવિન્દ્રનું એક ધ્યાન હતું. પોતાના ખેડુતમાં દારૂ અને જુગાર બંધ થવા માટે વ્યાખ્યાનો કરવા કે સભાઓ ભરવાને બદલે એણે પોતાને ખરચે નાની નિશાળ સ્થાપી દરેક ખેડુતને ભણવાની અનુકૂળતા માફક શિક્ષણદ્વારા કરી આપી. જન્માષ્ટમી કે એવા પર્વને દિવસે ગામડીઆ લોકો જુગાર રમે છે એ વાત ખરી, પરંતુ વધારે સુધરેલા ઘોડાની શરતમાં કે બીલીયર્ડમાં પૈસામાં પૂળો નથી મૂકતા? આખા વર્ષ દરમિયાન તાપ–વરસાદમાં મહેનત કર્યા પછી કાંઈ ગમત જોઈએ. દારૂથી થાક ઉતરી જાય છે, જુગારબાજી ઘડીભરની ગમત છે, વર્ષમાં એક દહાડો રમવામાં વાંધો નહી, એમ માનતા અજ્ઞાન લોકો બીજું શું કરે ? આનંદનું બીજું સાધન એમની આગળ મુકો તો પછી દારૂ જુગાર એની મેળે જશે. અરવિન્દ આ સમજતો અને આને માટે જ નિશાળે ઉઘાડી, વાર તહેવારે હરિકથા, ભજન કે કોઈ


  1. ૧. હંમેશને માટે છોડી દેવું એ માટે આ શબ્દ વપરાય.