પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
રીસ.

વસન્તલાલ પણ દોડ્યો. બારણું ઉઘડતાં પહેલાં ચંદાને ખભેથી પકડીને બોલ્યો:

“ચંદા ! જરા થોભ. એક શબ્દ સાં......”

રાક્ષસીની માફક ચંદા ગાજી ઉઠી, “અહીં જ ઉભા રહો. મારી પાછળ આવ્યા તો ત્હમે જાણ્યા. નોકર અને છોકરાંને બૂમ પાડી બોલાવીશ અને ફજેત થશો. આજ જ આ ઘર છોડી ચાલી જાઉં છું.”

આટલું બોલતાં જ ચંદાએ બારણું ઉઘાડ્યું અને બારણું જોરથી અથડાયું. વસન્તલાલ ગાંડાની માફક ઉભો જ રહ્યો. નિશ્વાસ નાખ્યો અને ઓરડામાં આવી ખુરસી ઉપર પડ્યો.



‘રામા ! તરલા માટે ઓરડો સાફ કર્યો?’

‘હાજી.’

વસન્તલાલ અનેક દુઃખી પતિની માફક જે આનંદ ઘરમાં ના મળે તે આનંદ મેળવવા ક્લબમાં ગયો.

ચંદા ખાટમાં પડી પડી રોતી હતી. ઘરમાં આવજાવ થતી હતી, ત્હેનાં પગલાં સાંભળતી હતી. ચંદા–પવિત્ર ચંદાનો વ્હાલ ઓછો નહોતો. વસન્તલાલને અત્યંત ચહાતી, અને ચહાતી તેટલા માટે જ આટલી ઉશ્કેરાઈ ગઈ હતી. રીસમાં ને રીસમાં પાયે પડેલા વસન્તલાલનાં ખરતાં આંસુ તરફ, માફીના શબ્દ તરફ તેણે ધ્યાન આપ્યું નહોતું, પણ એનું પ્રેમાળ, ભગ્ન *[૧] અંતઃકરણ વસન્તલાલને માટે તડફડતું હતું, જો કે અત્યારે તો ક્રોધની લાગણી જ સર્વોપરી સત્તા ભોગવતી હતી.

‘હં ! રામાને કહી ગયા. બ્હેન આવવાના છે તે માટે જેટલી લાગણી છે તેથી અર્ધી મારે માટે નથી. હોય તો બ્હાર જવાય કેમ ? જવું ગમે કેમ ? હં, ગયા. હજી મને છેતરે છે. ક્યાં ગયા હશે? મ્હેં ખૂલ્લેખૂલ્લું પૂછયું હોત તો ? ના, ના, બુંદસે ગઈ તે હોજસે ન આવે. હવે ફુટેલા કાચ સંધાય ખરા ? ના–ના. એ તો જૂદા જ સારા. ન


  1. ૧ ભાંગેલું.