પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૨
તરલા અથવા ઉર્મિનો આવેગ.


અંતર લાગતું હતું તે મટી જઈ લીલા અને પોતે હૃદયથી વધારે જોડાએલાં લાગ્યાં.

એક બાજુ એક હૃદયમાં આનંદ છવાતો હતો, સંસાર સુખમય લાગવા માંડતો હતો, પ્રેમનો વિકાસ[૧] થતો હતો, ત્યારે બીજી બાજુ આનંદનું નામ નહોતું, સંસાર અરણ્ય જેવો લાગતો હતો. પ્રેમ એ માત્ર ખોટો શબ્દ છે. એમાં કાંઈ જ નથી એમ ભાસતું હતું. સુમનની આ સ્થિતિ હતી. વસન્તના આગ્રહથી આવ્યો હતો ખરો પણ એને જરાયે શાન્તિ નહોતી. ચર્ચગેટના સ્ટેશન ઉપર આપઘાત કરતાં અટકાવનાર છોકરાં કાળસમાન લાગ્યાં હતાં. તરલાની સર્વ વસ્તુઓ, તરલાનાં સર્વ સગાં ઝેરસમાન લાગતાં હતાં. અરવિન્દ અને લીલાની વાતો, એમના ભાવ જોઈ એને પોતાના હૃદયમાં કાંઈ કાંઈ થઈ જતું. ચંદા આ સઘળું જોયા કરતી હતી અને સુમન સાથે વાત કરવા પ્રસંગ ખોળતી હતી, એટલામાં સુમન જ ચંદા પાસે આવ્યો.

'સુમનભાઈ ! હું ત્હમને જોઈ આજ બહુ રાજી થઈ છું. મારે તમારી સાથે વાત કરવી છે, બેસો. '

જે સુમન ચંદાને મળવા, એની સાથે વાત કરવા હંમેશાં ઉત્સુક રહેતો તે જ સુમનને પાંચ મીનીટ કાળ જેવી લાગી. અહીંથી કયારે છૂટકો થાય એ ઇચ્છાએ જવાબ આપવા ખાતર જ જવાબ આપવા લાગ્યો.

'સુમનભાઈ ! સુરતમાં શરત પછી હું તમને મળી હતી. બધું ઠંડું પડ્યું હતું છતાં આજ આમ કેમ ? તમે અહીં કેમ ન ઉતર્યા ? પૂલ ઉપર શું કરતા હતા ?'

'ચંદા બહેન ! કાંઈ નહી. તમને મળ્યો એ ઠીક થયું. હું આજ સાંજના કે કાલ સવારના જવાનો છું.’

'વારુ ! પણ તરલા કેમ છે ? એને વિશે તે કાંઈ જ તમે કહેતા નથી.'


  1. ૧. ખુલવું.