પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૩
તરલા મુંબાઈમાં.

 કોણ જાણે વાત કોણ લઈ ગયું પણ લીલાની સખીઓ આવી અને 'ગળ્યું મ્હોં કરાવો બા ! ઓખાને અનિરૂદ્ધ મળ્યો' કરી લીલાને ચીડવવા લાગી. આ સખીઓમાં વિનોદ પણ હતી, અને ભૂજંગલાલને બદલે અરવિન્દ પસંદ કરવા માટે લીલાને ધન્યવાદ આપતી હતી.

પ્રકરણ ૨૦ મું.
તરલા મુંબાઈમાં.

શણગારભાભીને ત્યાં તરલા ગઈ તે માત્ર એક દયાનું કામ કરવા જ. રખેને સુમનલાલ ક્રોધમાં ને ક્રોધમાં ભૂજંગલાલનું ખૂન કરે એ માટે પરોક્ષ [૧] રીતે ભૂજંગને ચેતવવા ગઈ હતી. સુમનલાલની ચીઠી તરફ તરલાને અભાવ હતો એમ નહી, કેવળ એ કામ વધારે જરૂરનું છે એમ માની ત્યાં ગઈ હતી. પરંતુ પવિત્ર, સહવારના પોરના નામના સુમનલાલ પ્રત્યે પોતાની વર્તણૂક તિરસ્કારપાત્ર લાગી અને હવે બગડેલી બાજી શી રીતે સુધારવી એ વિચારમાં પડી. શણગારભાભીને ત્યાં સાંભળેલા શબ્દો ઘડીએ ઘડીયે તરલાને સતાવતા હતા. રખેને ભૂજંગલાલનું ખૂન કરે એ વિચાર તરલાના મગજમાંથી ખસી ગયા. ભૂજંગનું કાલ ખૂન થતું હોય તો ભલે આજ થાય, માત્ર મારા સુમનને હાથે નહી એટલી જ એની ઇચ્છા હતી. તરલાનો તરલ સ્વભાવ-તરલાની તરલતા-ક્ષણવાર જતાં રહ્યાં. શણગારભાભીને ત્યાંથી એકદમ ઘેર આવવા નીકળી, ત્યાં રસ્તામાં જ એને વિશ્વાસુ નોકર રામો સામે મળ્યો. 'બ્હેન ! સુમનભાઈ ચ્હીડાયા હોય એમ લાગે છે ને કાંઈ પણ સામાન લીધા વગર સ્ટેશન ઉપર ગયા છે.'


  1. ૧. આડકતરી રીતે.