પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


તપાસ કરી છતાં કાંઈ પત્તો લાગ્યો નહી, પરંતુ એક કલાકને અંતરે દરિયામાં એક પથર આગળ બાઝી રહેલી લાશ મળી આવી. ઉપર લાવતાં જીવ હશે કે કેમ એ શક આવતાં પાસેની હોસ્પીટલમાં લાશને લઈ જવામાં આવી હતી. આપઘાત કરનારના વેશ ઉપરથી ઉંચી નાતનો કેળવાયેલો માણસ લાગે છે. એને ઓળખનાર માટે લાશ ખુલ્લી મુકવામાં આવી છે.”

આટલું વાંચતાં વાંચતાં વસન્તલાલને નવનેજાં થયાં. આંખમાં આંસુ આવ્યાં. વગર પરણેલી તરલા વિધવા ! સુમનલાલ ! પ્રિય સુમનલાલનો આમ અંત ! ચંદા બિચારી ગભરાઈ ગઈ. તરલાના દુઃખની અવધિ આવી. તરલા તો એકદમ ચીસ પાડી નીચે જ પડી, અને 'સુમન આ પાપીણીને ક્ષમા ! હાય હાય ! હું ખૂની ? ત્હારૂં ખૂન મ્હેં કર્યું ?' એમ બબડતી આળોટવા લાગી. ગરીબ બિચારી કીકી તો મૂઢ જ થઈ ગઈ. એને તો એમજ થયું કે મ્હેં ક્યાં પેપર વાંચ્યું! વસન્તલાલ-ચંદાને બેવડું દુ:ખ થયું. રખેને એ સુમનલાલ હોય આ તરફ તરલાને ભાન નહોતું. 'ઘડી અધઘડીમાં ગાંડી ગઈ જશે, મરી જશે, હૃદયનો ધબકારો બંધ થશે' એમ લાગતું. તરલાને શરીરે, મગજે તાવ ચડ્યો અને કુટુમ્બમાં ત્રાસ વર્તી રહ્યો. ચંદા-દુઃખમાં અડગ ધૈર્ય રાખનારી ચંદાએ પતિને કહ્યું:

'તમે ઈસ્પિતાલમાં જઈ જોઈ આવો. પ્રભુ કરે ને સુમનલાલ ન હોય. એ હોય તો વખતે સારું એ થાય. જાઓ ને ખબર કાઢો, વચમાંથી અરવિન્દ ભાઈને અહીં મોકલો. હું તરલા બહેનને સાચવીશ, તરલા મ્હારી કીકી કરતાં વધારે છે. આ સુખ એમને લીધે ભાગવું છું. હાય ! હાય ! બીચારી તરલા ! તમે જાઓ, એમને હું સાચવીશ. એમને ઠીક થશે, એમની સાથે વાત કરીશ. સુમનલાલની ખબર આવશે ત્યારે સોપારી ખાઈશ. કીકી ! પંખો નાખ. રામા ! પાણી લાવ.’ વસન્તલાલ ઉંચે જીવે મુંબઈ ગયો અને અહીં તડફડતી, જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી તરલાની ચિંતા કરતી ચંદા તેની પાસે જ બેસી રહી.