પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૯
સુરતમાં.



પ્રકરણ ૨૧ મું.

સુરતમાં

વીણા પાસે હા પડાવવા ગયેલ ભૂજંગલાલ, તરલાને પૂછવા ઉપર હા પાડવા કહેનાર વીણાથી નિરાશ થયેલ ભૂજંગલાલ, કિશોરીલાલના ઘરમાંથી નિકળ્યો, ઘેર આવ્યો. નંદાએ પૂછયું પણ શો ઉત્તર આપે ? ત્યાંથી નિરાશ થઈ શણગારભાભીને ત્યાં ગયો. ત્યાં બધી હકીકત કહી અને શણગારભાભીના શબ્દો ખરા પડતા લાગ્યા. લીલા-તરલા હતાં પણ વિણાની તો વાત જ જુદી છે. વીણા હાથમાં આવે એવો સંભવ જ નથી. ગામફોઈ શણગારભાભી સુરતનું રોજીંદુ પેપર હતાં. 'રૂટરના તાર’ એમને ત્યાંથી છૂટતા હતા ! ગામ પરગામના સારામાઠા ખબરો એમને ત્યાંથી જ મળતા. ભૂજંગલાલ જેવા અનેકનાં શણગારકાકી સતોષનું સ્થાન હતાં. ઉમર લાયક કન્યાઓના ગુરૂ હતાં. ભૂજંગલાલનો રોફ જતો રહ્યો હતો. વીણા અને તરલા બન્ને જાય એ કરતાં એક આવે તો શું ? તરલાની જોડે લગ્ન કરવા વિચાર નહોતો, પણ વીણા ન જ માનતી હોય તો તરલાની સાથે જ લગ્ન કરવું એમ નક્કી કરી શણગારકાકી પાસે ગયો. શણગારકાકીને વાત કરી, અને ગામમાં થતી ફજેતીમાંથી બચાવવા વિનંતિ કરવા લાગ્યો. લીલા, તરલા ને વીણામાંથી કોઈ મળતું નથી. લીલાનો વિવાહ અરવિન્દ સાથે નક્કી થયો અને થોડા દિવસમાં લગ્ન છે એ હકીકત સુરતમાં આવી હતી. તરલાને ઘેર ભૂજંગલાલ હવે જઈ શકે એમ નહોતું, એટલે ગમે તેમ કરી તરલાને શણગારકાકી મારફત એમને ત્યાં જ મળવું અને શામ, દામ, ભેદથી સમજાવવી એજ સારું એમ માની એ તરફ પ્રયત્નો કર્યા. શણગારભાભી પણ હમણાની તરલા કેમ નથી આવતી એ વિશે ચિંતા કરતાં હતાં ત્યાં આ લાગ ઠીક છે માની તરલાની ખબર કાઢવા શણગારકાકીએ નોકરને મોકલ્યો.