પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૩
સુમનની તપાસ.


પ્રકરણ ૨૨ મું.

સુમનની તપાસ.

વસન્તલાલ ચંદાના પેલા પ્રસંગ પછી વધારે કોમળ બન્યો હતો. પતિ અગર પત્ની સંસ્કારવાળાં હોય તે એકને બીજા માટે પણ વિશ્વાસ હોય છે. એકનો સ્નેહ બીજી દિશામાં ગયો છે એ જાણતાં કેટલો આઘાત થાય છે, ઘરમાંથી–કુટુમ્બમાંથી આનંદનો, સ્વર્ગસુખનો કેવો લોપ થઈ જાય છે, [૧] એ જાણતાં વસન્તલાલ વધારે પ્રેમાળ બન્યો હતો, અને એને લીધે જ તરલા પોતાની બહેન છતાં સુમનલાલના હૃદય માટે એ વધારે બળતો હતો. સુમનલાલની માનસિક સ્થિતિ સમજતો હતો, અને જેમ તરલાએ ચંદા અને પોતાની વચ્ચે ભિન્નભાવ દૂર કરાવી એકતા કરાવી હતી તેમ તરલા અને સુમનલાલ એક થાય તે માટે વસન્તલાલ બહુ ઇંતેજાર હતો. ચંદા તરલાને માટે મરતી હતી. સંસારમાં સગી બ્હેનોને માટે ન થાય એવી લાગણી નણંદને માટે થતી જોઈ વસન્તલાલ પરમેશ્વરનો ઉપકાર માનતો. સુમનલાલની તપાસ કરવા એ નિકળ્યો ત્યારે એક યંત્રની માફક જ એના પગ ચાલતા હતા, એનું હૃદય-ચિત્ત તો સુમનલાલ અને તરલાના ભવિષ્ય ઉપર જ હિંચતું હતું. 'સુમનલાલે આપઘાત કર્યો હશે તે ? ઇસ્પીતાલમાં જાઉં ને ત્યાં કાંઈક માઠા સમાચાર સાંભળું તો !' વસન્તલાલ લોકલમાં બેસી આશા-નિરાશામાં ઝોકાં ખાતો મરીનલાઈન્સ આવ્યો. વિકટોરીયા કરી ગોકળદાસ તેજપાલ ઈસ્પીતાલમાં આવ્યો. હાઉસ સર્જનને મળ્યો અને વાત કરતાં જણાયું કે એપોલો બંદર ઉપર આપઘાત કરનાર હમણા જ ગુજરી ગયો છે ને એની લાશ સગાંવહાલાંની ઓળખાણ માટે બરફમાં મૂકી છાંડી છે.


  1. ૧ સુખ જતું રહે છે.