પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૪
તરલા અથવા ઉર્મિનો આવેગ

 ડાક્ટરો જગતનું હિત કરનારા છે. અનેક દુઃખી કુટુમ્બ, નિરાધાર થતાં કુટુમ્બને રોગમુક્ત કરી જીવન ફરીને રસમય બનાવે છે, છતાં ઘણી વાઢકાપ કર્યાથી, ચિત્રવિચિત્ર રોગ અને સ્થિતિના મનુષ્યના સહવાસથી અથવા બુદ્ધદેવની માફક સંસારમાં–દેહમાં કાંઈ નથી એમ આવી જવાથી હો, કે ગમે તેમ હો પણ ડાક્ટરો ઘણે વખતે લાગણી વગરના થઈ જાય છે. ડાક્ટરના શબ્દ ઉપર જીવન બાંધનાર, ડાક્ટરને પરમેશ્વર માનનાર રોગીનાં સગાને “બે દિવસમાં મરી જશે, મરી ગયો છે” એમ સ્પષ્ટ કહેતાં કાંઈ જ લાગતું નથી. બિચારે વસન્તલાલ ફડકતે હૃદયે શું હશે, શું થશે કરતો દોડતો આવ્યો, ત્હેને એકદમ જ 'તે આદમી મરી ગયો છે જોવો હોય તો જાઓ પણે' કહ્યું. ડાક્ટરના આ શબ્દથી વસન્તલાલના હોશકોશ ઉડી ગયા. 'સુમન મરી ગયો ! તરલા–ચંદાને શું જવાબ આપીશ ? અહિં સુમન ગયો ને ત્યાં તરલા જશે. હાય! હાય ! મારી આ સ્થિતિ અને આ કાળોતરી મ્હારે જ લઈ જવાની !' વસન્તલાલનો પગ જ ઉપડ્યો નહીં. 'મુવેલાં મડદાને જોઈ હું શું કરું ? બધાને બોલાવી આવું? ના, ના, પણ જોઉં તો ખરો !' આટલું બોલી હમાલ સાથે વસન્તલાલ મુડદાં રાખવાની ઓરડીમાં ગયો. હમાલે ઓરડીનું તાળું ઉઘાડ્યું. તાળુ ઉઘડતાં જેટલી વાર થઈ તેટલામાં વસન્તલાલ જાણે પોતાની સામે જ પાણીથી ફુગાઈ ગયેલું સુમનલાલનું મુડદું હોય એમ માનવા લાગ્યો. મારાથી સુમનલાલનું શબ કેમ જેવાશે ? હમાલ મારે માટે શું ધારશે? આ વિચારથી બીચારો વસન્તલાલ ધ્રુજવા લાગ્યો. આંખે અંધારાં આવ્યાં. ગળગળો થયો, સંસારઅસાર લાગવા લાગ્યો, ને મારા જેવું જગતમાં કોઈ દુ:ખી નથી એમ માનવા લાગ્યો. હમાલે તાળું ઉઘાડ્યું ને વિલાયતી સાંકળ ઉંચી નીચી કરી ખસેડતો હતો. એ સાંકળનો અવાજ વસન્તલાલને વીંધી નાખતો હતો. સાંકળ ઉઘડતાં જેટલીવાર થતી તેટલીવાર વહાલા સુમનનું મુડદું જોવામાં થતી. આખરે સાંકળ ઉઘડી ને ત્રાસદાયક દેખાવ નજરે પડ્યો. ચારે બાજુ ટેબલ ઉપર