પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૯
સુમનની શોધ.

 ત્યાં પાછળથી એક સાઈકલ આવી. સાઈકલવાળાએ વસન્તલાલને જોતાં જ સાઈકલ ઉભી રાખી. સાઈકલ ટપાલ ઓફીસ-તાર ઓફીસની હતી, અને પટાવાળાએ વસન્તલાલના હાથમાં તાર અને તારનું સહીનું ફોર્મ મૂક્યું. વસન્તલાલે સહી કરી ફોર્મ પાછું આપ્યું ને તાર ઉધાડ્યો. સુમનલાલની નજર તાર ઉપર પડી. એમાં નીચે પ્રમાણે લખ્યું હતું -

'ભૂજંગલાલ આવ્યા હોય તો સંભાળજો. કાગળ પાછળ આવે છે.–વીણા.'

આટલું વાંચતાં જ સુમનલાલનું લોહી ઉકળી આવ્યું. તે બોલી ઉઠ્યો:

'વસન્તલાલ! હું કહેતો હતો તે ખોટું ! જુઓ ભૂજંગ આવ્યો છે. એનાથી સંભાળવા-બચવા વીણા લખે છે. તરલાના ઢોંગ નહિ તો બીજું શું? તરલા અને ભૂજંગલોલની બન્નેની પહેલેથી જ ગોઠવણ. વીણા બીચારી સંભાળવા લખે છે. વસન્તલાલ ! આથી કાંઈ વધારે ખાત્રી જોઈએ? જવાદે ! મારે નથી આવવું. ચંદા બ્હેનની મ્હારી તરફથી માફી માગજો. હવે ઘેર આવવાથી કે તરલાને મળવાથી શો લાભ? તમારા મનમાં શંકા હતી તે હવે દૂર થઈ હશે. મારું માનો તો તરલાને ભૂજંગલાલ સાથે પરણાવો ને સુખી કરો. હું મારું ફોડી લઈશ. તમારો, ચંદા બ્હેનને ઉપકાર થયો છે, જીવીશ તો ઉપકાર વાળીશ. હવે મને ખોળવા ન આવશો, તેમ મ્હારી ફિકર ન કરશો.'

સુમનલાલ ઉશ્કેરાઈ ગયો હતો. વસન્તલાલ મુંઝાયો હતો. વીણાનો તાર શો! 'ભૂજંગલાલ આવ્યા હોય તો સંભાળજો', એનો અર્થ શો ? ભૂજંગલાલ કાંઈ તોફાન કરવા આવ્યો હશે ને તેની વીણાને ખબર પડતાં સાચવવા લખતી હશે. આ તાર આવે વખતે જોઈ સુમનલાલની શંકા વધે એમાં નવાઈ નથી. હવે એ કોટી ઉપાયે રહેવાનો નથી. તરલા! તરલા તે સાચી કે ઢોંગી! અરે પ્રભુ ! હવે તે આ દુઃખનો છેડો લાવ! તરલા મરે તો.....