પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


ને આજ તરલાને પોતાની કરે અને ક્ષમા માગવાથી, અર્ધ આયુષ્ય આપવાથી તરલા જીવશે એમ કોઈ કહે છે તેમ કરવા પણ તે તૈયાર હતો.

ડાક્ટરના હુકમને માન આપી બધાં ખસી ગયાં-કેવળ ચંદા ને ડાકટર બે જ તરલા પાસે બેઠાં. અરવિન્દની સાથે સુમન બીજા ઓરડામાં ગયા ને ત્યાં અરવિન્દના ખભા ઉપર માથું નાખી રોતાં રોતાં બોલ્યો:

'અરવિન્દ ! મને એમ થાય છે કે ચર્ચગેટના પુલ ઉપર છોકરાં આવી ચડ્યાં તે સારું જ થયું, નહી તો હું એને પાપીણી માનતા મરી જાત અને એને દુઃખી કરત. તરલા અહીં આવી છે, . માંદી છે તે હું માનતો જ નહોતો, ને તેમાં વળી વીણાના તારે મ્હને વધારે વ્હેમમાં નાંખ્યો. તરલા ભયંકર મંદવાડમાં છે એ હું માનતો જ નહી-મ્હેં માન્યું જ નહોતું. ઠેઠ બંગલા સુધી યુક્તિ છે એમ ધાર્યું હતું. અંદર પેઠો ત્યાં સુધી એમ જ થતું કે માંદી હોય ને મરી જાય તો સારું. પણ અરવિન્દ હવે પસ્તાઉં છું. કેમે કરતાં જીવે ! ડાક્ટરોએ આશા છોડી છે, અંતકાળ છે, ક્યાંથી જીવે ? હું જ કમનસીબ છું. પણ તરલાને આવી વખત મળી, ક્ષમા આપી મ્હેં મારું કર્તવ્ય કર્યું છે એમ હું માનું છું. મને ખરી શાન્તિ આજ જ થઈ છે. એક નિરાધાર અને પવિત્ર અબળાને અંત વખતે શાન્તિ આપી છે. હવે હું ગમે ત્યાં જઈશ, પણ તરલા–મ્હારી તરલાને તે નહીં જ મળું ને ? આવતે જન્મ તરલા જ આપજો. મને ક્ષમા આપવાનો જે આનંદ મળે છે તે કાયમ રહેજો. તરલાનું જીવનભર સ્મરણ કરી એના પ્રેમનો જોગી થઈ એકલો રહી કરેલા પાપની ક્ષમા મેળવીશ. ભાઈ ! મ્હારાથી એની એવી સ્થિતિ નહી જોવાય ! હું આ ઓરડામાં પડ્યો છું. મ્હારી તરલા બોલાવે તો, ડાક્ટર આશા આપે તો બોલાવજો હોં...'