પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ૨૪ મું.
લગ્ન.

લીલા અને અરવિનાં ચકડોળે ચડેલાં લગ્ન આખરે નક્કી થયાં. બબેવાર લીલાની આશા મૂકી ગામડાના જીવનમાં મોજ માનનાર અરવિન્દ લીલા મળતાં–લીલાના લગ્ન પોતાની સાથે નક્કી થતાં-હર્ષઘેલો થઈ આમતેમ ફરવા લાગ્યો. 'મ્હારા ભાગ્યમાં લીલા! ભૂજંગ જેવા સોસાઈટીના માણસને મુકી લીલા મ્હારી થશે એ મ્હેં માન્યું જ નહોતું. પૈસો–હા, પૈસો મારી પાસે છે પણ તે ક્યાં ? આખો દિવસ ઢોરઢાંખર, ગાડાંની અવરજવરથી વેંત વેંત ધૂળથી ભરેલા રસ્તાવાળા ગામડાંમાં. રામચંદ્રજીએ સીતાજીને વનવાસ આપતાં કહ્યું હતું કે વનમાં રથ, ઘોડા, પલંગ, મહેલ કાંઈ મળશે નહી, તેમ મારે પણ કહેવાનું છે. લીલા મુંબાઈમાં ઉછરી છે, મોટરો, પાર્ટીઓ, ક્લબો, જીમખાનાં, બૅંડસ્ટેન્ડ, પાલવાનો લાભ લીધા છે; સારામાં સારી ફેશનનાં કપડાંનો પરિચય છે, ઘાટી-ભટ વગર એને ચાલે એમ નથી. મારે ત્યાં માણસો રાખી શકું એમ છું, પરંતુ ઘરમાં માજી, હું ને લીલા શિવાય કોઈ નથી. ત્યાં વખત પુષ્કળ મળવાનો તો પછી ભટ રાખવાની જરૂર ખરી ? એ વખત બચાવવાથી ખાસ લાભ ખરો ? મુંબાઈ જેવા શહેરમાં જ્યાં વખતની મારામારી ત્યાં વખત બચાવી જનસેવાનાં કામ કરવાં એ વ્યાજબી, બાકી તો કેટલાંક કુટુમ્બોમાં બને છે તેમ સાંજ સવાર કલાકના કલાક ઘર અગર બંગલાના ઝાંપા આગળ બે ત્રણ ચાર જણીઓ ઉભી જ રહે છે અને આવતા જતાની ટીકા જ કરે છે તેમ થવાનું. એના કરતાં તો ઘરનું કામ કરે તે શું ખોટું ? લીલાને તો બે માણસની રસાઈ કરવાની. મહેમાન પણ વખતે તો ભટ જોઈએ એટલા ગામમાંથી મળે છે. ત્યાં લીલા ક્લબ ક્યાંથી લાવશે ? ઉંચી એડીના બૂટ, નવી નવી

૨૨૭