પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

 વિના ઉભા જ રહ્યાં. બન્નેના હૃદયમાં અનેક ભાવ ઉછળતા હતા, બન્નેનાં નેત્રોમાંથી સ્નેહ વરસતો હતો, પણ તે સ્નેહ અને ભાવ દર્શાવવાની શક્તિ જીભમાંથી જતી રહી હતી. ચંદ્રને ભેટવા દરિયાનાં મોજાં ઉછળતાં હતાં તેમ લીલાનું હૃદય પણ પતિને મળવા ઉછળતું હતું. અરવિન્દની નજર લીલા ઉપર પડી અને પોતાની છાતી સાથે લીલાને ચાંપી, નમ્ર બની, પ્રભુની કૃપા ઇચ્છતો ઉભો જ રહ્યો.

પ્રકરણ ૨૫ મું

ગામ તરફ.

લગ્ન પછી અરવિન્દ અને લીલા વિશેક દિવસ મુંબઈમાં રહ્યાં. નવાં વરવહુએ મુંબાઇનાં જોવાલાયક સ્થળો-મુંબાઈનાં આનંદસ્થાનોનો પુરતો અનુભવ લીધો. મિત્રો, સ્નેહીઓ અને સભ્યગૃહસ્થોને ત્યાં જમી આવ્યાં, પરંતુ આખરે 'ઘર' સાંભર્યું. વતન-વ્હાલું વતન, માતા, અરવિન્દને સાંભર્યાં. મુંબઈમાં લીલા વાલકેશ્વરથી પિતાને ઘેર જતી આવતી. એકલી માતપિતાની સાથે તેમજ અરવિન્દની સાથે ફરતી, પતિ પત્ની દિવસના ભાગમાં બહુજ થોડીવાર એકલાં પડતાં અને રાત્રીના કંટાળેલાં મુંબઈવાસીઓની માફક ઘણીવાર ગામડાંનાં સુખોની કલ્પના કરી સુખ માનતા. કેટલાક દિવસો વહી ગયા અને પતિ પત્નીએ કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું. સ્ટેશન આવતાં જ અરવિન્દનું બે મજબૂત-કદાવર બળદનું લાંબું સીગ્રામ તૈયાર જોયું. અંદરનાં ત્રણ પાટીયા ઉપર ગાદી નાખી દીધી હતી. પાટીયા નીચે પેટી, ખાવાનો ડબો, પાણી વગેરે સાધન ભર્યા હતાં. મુંબઇમાં ટ્રામ, વિકટોરીયા, મોટરમાં બેસનારી લીલાને સીગ્રામ નવાઈનું લાગ્યું. પણ હોંશમાં–પતિગૃહે જવાના ઉત્સાહમાં આ ફેરફાર બહુ મહત્વનો લાગ્યો નહી. સીગ્રામમાં પતિપત્ની બેઠાં–પડયાં. સીગ્રામના પડદા હતા, તેમાંથી લીલા ખેતરો, દૂર દેખાતી