પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૩
ગામ તરફ.

 પર્વતમાળા, આકાશ, આવતાં જતાં ગાડાં, વટેમાર્ગુઓ લીલાને આનંદ આપવાનાં સાધન નિવડ્યાં. રસ્તામાં આવતી નદીઓ, ત્યાં આગળ ઉતરી, નદીના ખળખળ વહેતા પાણીમાં–મીઠા-ઠંડા પાણીમાં–હાથ મોં ધોઈ ભાથું ખાવાની મજા, વડ જેવા ઝાડની નીચે ઝાંખરાં ભેગાં કરી કે નવિન પદ્ધતિનો સ્ટવ સળગાવી ચાહ પીવાની મજા, મુંબાઈવાસીઓના નસીબમાં ક્યાંથી એમ લીલાને થયું, અને ખરેખર ગામડાંના જીવનમાં પણ ઓર આનંદ છે એમ એને લાગ્યું. આમ મુકામ કરતું, આનંદ ભાગવતું દંપતિયુગ્મ [૧] આખરે ગામડામાં પહોંચ્યું. નાના ગામડાંમાં લગ્ન કરી વર કન્યા જવાનાં હોય કે આવવાનાં હોય એ ગવર્નર કે વાઈસરોયની પધારામણી કરતાં પણ વધારે આનંદનો દિવસ હોય છે. એક કન્યા પરગામ જાય તો આખા ગામની જ પુત્રી-જમાઈ તે આખા ગામનો જ–અને એમ માનીને જ નિર્દોષ ગામડીયાઓ સ્નેહથી વર્તે છે. સામાન્ય રીતે એમ હોય તો પછી આ તો પોતાનો માલીક–રાજા જે કહો તે અરવિન્દ હતો તે પછી 'શેઠાણી’ આવનાર હોવાધી –'બા’ આવનાર હોવાથી ગામડાંમાં ઘેરઘેર મંગળ ગવાતાં હતાં. આખું ગામ, સ્ત્રી પુરૂષ, બાળકો ગામની પાધરે ભેગાં થયાં હતાં. ગામના બ્રાહ્મણ, માગણી બે પૈસાની આશાએ ચાંલો કરવા કંકુ લઈ ઉભા હતા. અહીં સુરતનું રઝાકનું કે ગવર્નરનું પોતાનું બેન્ડ મળી શકે એમ નહતું એટલે દેવનાં દુદુભી વાજાં ગણતાં ઢોલ અને શરણાઈ તૈયાર હતાં. દૂરથી સીગ્રામ દેખાતાં જ ઢોલ-શરણાઇના અવાજ શરૂ થયા અને નવિન આવેલી લીલાના મનમાં શું શું થશે ત્હેની કલ્પના કરતો અરવિન્દ હસતો હતો. અરવિન્દના કહેવાથી લીલા નીચે ઉતરી અને અરવિન્દની સાથે ચાલી.

હિંદુ સંસારનું બરાબર અવલોકન કરનારને અને શહેર અને ગામડાંનાં જીવનમાં તફાવત શો છે, ક્યાં છે અને કેમ છે તે સમજનારને તટસ્થ રીતે જોતાં ઘણું શિખવાનું ને જોવાનું મળે છે. મૂળે કાઠિયાવાડ અને તેમાં પણ ગામડું એટલે ગામની સ્ત્રીઓ અરવિદની


  1. ૧. પતિપત્નીનું જોડું