પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


લાજ કાઢે જ. હિંદુના જુના રીવાજ પ્રમાણે-ગામડાંના રીવાજ પ્રમાણે છે, વાણીયા અને ગામના લોકોએ અરવિન્દભાઈનાં વહુએ મોટો સાલ્લો પહેર્યો હશે, હાથમાં મ્હોટા ચુડા અને પગમાં સાંકળ ઘાલ્યાં હશે, લાજ કાઢી હશે, એમ કલ્પના કરી હતી, પરંતુ આ તો બીજું જ નિકળ્યું. જાડા ડબલ-દોઢીયા સાલ્લાને બદલે રેશમી ઝીણું પોત, કમખીને બદલે ચાળી, મોટા ચુડાને બદલે મોતીની નાજુક બંગડીઓ અને પગમાં કાઠિયાવાડી જાડાં સાંકળાને બદલે નાજુક ઈગ્લીશ કંપનીનાં સ્લીપર હતાં. ગામમાં આટલા બધા લોકો વચ્ચે વહુ આમ વરની સાથે વાત કરે એ બચારાં અજ્ઞાન ગામડીયાને કેમ ગમે ? એમાં એમનો દોષ શો ? જેવા જેના સંસ્કાર ! અરવિન્દ આ બધું જોતો હતો–સમજતો હતો. લીલાને કાંઈક નવાઈ લાગતી પણ તે બોલતી નહી. બ્રાહ્મણે આવી વરવહુને ચાંલા કર્યો. ગામના પટેલીઆએ ચાંલા કરી નાળીયેર, સાડી-પાઘડી–મૂક્યાં, અરવિન્દે પ્રેમભર સ્વીકાર્યા, બધાની ખબર પૂછી અને બધાની સાથે ઘર તરફ ચાલ્યો. ઘર આગળ આવતાં જ વૃદ્ધ માજી વહુદિકરાનાં ઓવારણાં લેવા બહાર આવ્યાં, અને એમને માથે હાથ ફેરવી કપાળ સાથે આંગળાં ભેરવી ટચાકા ફોડ્યા. માજીને જોતાં જ અરવિન્દની આંખમાં આંસુ રહ્યાં નહિ. એકદમ માજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને માજીએ ઉઠાડયો ત્યારે ઉઠ્યો. બિચારી પુસીનો કોઈ ભાવ પૂછતું નહી. અરવિન્દ વગર મુંઝાતી-અરવિન્દ વગર દુધ પીવામાં મજા ન માનનારી પુસી મીઆઉમીઆઉ કરતી ફરતી હતી, પણ આ ધાંધલમાં તેને કોણ સંભારે ? નવી આવેલી લીલાને સુંઘતી પુસી ગેલ કરતી કુદતી હતી.

ગામડાના રીવાજ પ્રમાણે સામૈયામાં આવનારને, ગામમાં માજી તરફથી સાકરો વહેંચાઈ, અને આજ ગામને જમવાનું પણ અરવિન્દના તરફથી જ હતું. જૂદી જૂદી જ્ઞાતિના, જુદી જુદી સ્થિતિના ગામડાના લોકો જમવા ભેગા થયા અને રસ્તામાં જ–છૂટી સાફ કરેલી જમીનમાં બેસી પત્રાળામાં આવતી રસોઈ આનંદથી ઉરાડવા લાગ્યા. સાસુરૂપ માજીના કહેવાથી અને અરવિન્દના ઉત્સાહમાં ઉત્સાહ રેડવા