પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


શાન્ત જીવન નકામું એવી કોઈ ભાવના લીલાની હતી, અને આથી અરવિન્દનો અગાધ પ્રેમ છતાં, પૈસાટકાની શી વ્યવસ્થા કરે છે એની જરાયે દરકાર રાખતા નહોતો, લીલાને બહાર જવામાં અટકાવ કરતો નહોતો, પુસ્તકો-ચોપાનિયાં મંગાવવા સ્વતંત્રતા હતી, પોતાની સાથે અનેક જાતની વાતો કરાવતો છતાં લીલા અસંતુષ્ટ રહેવા લાગી. ગરીબ લીલા-ભોળી લીલા ઘણીવાર અરવિન્દને કહેતી હતી કે “મ્હને ગમતું નથી. તમે લઢતા નથી છતાં મને કાંઈક ઓછપ લાગે છે.” આટલું કહી રોતી. અરવિન્દ બીચારી લીલાને વ્હાલથી પાસે લેતો, એના માથા ઉપર–વાંસા ઉપર-હાથ પસવારી શાન્ત કરતો અને આ પ્રેમાળ જોડું આમ વળી પાછું શાન્તિમાં દિવસ પસાર કરતું.

મહિનાના મહિના ગયા અને અરવિન્દ થોડે દૂર પોતાના ખેતર સબંધી તજવીજ કરી બપોરના ઘરે આવ્યો. લુગડાં કાઢી ઓરડામાં પેઠો ત્યાં હિચકા ઉપર લીલા ચંદાનો કાગળ વાંચતી હતી. અરવિન્દ હમેશની રીત મુજબ લીલાની પાસે જ હિંચકા ઉપર બેઠો ને લીલા બોલી:

"ચંદાનો કાગળ છે. લ્યો! એમાં તમારો કાગળ પણ છે. અક્ષર ઉપરથી તમારી-તમારી પેલી ભાભીનો કાગળ લાગે છે. ચંદાનો કાગળ આવે છે ત્યારે મારો આખો દિવસ આનંદમાં જાય છે. એ લખે છે કે “કાકી ને છોકરાઓને લઈ ચંદા સુમન ‘કાબમ્બરી' ના નાટકમાં ગયાં હતાં.”

અરવિન્દ મુંગો જ હતો. લીલાનો આપેલો કાગળ એણે યંત્રની માફક લીધે અને વાંચ્યો. એ પત્ર અરવિન્દના ઓરમનભાઈ જુગલની કરી લીધેલી સ્ત્રી ગંગાનો હતો. અરવિન્દને ઓરમનભાઈ હતો. પિતાના મૃત્યુ પછી એ જૂદો રહેતો અને કુટુંબ, સગાં વ્હાલાંના આગ્રહ છતાં પરણ્યો નહોતો. નાદાન દોસ્તો, પૈસાની અનુકૂળતા હોવાથી કુસંગમાં પડ્યો અને દુકાળના વખતમાં આવી પડેલી ગંગાને