પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૯
ગૃહજીવન.


ઘરમાં રાખી રહ્યો હતો. આવાં અનીતિમય કૃત્યોનાં પરિણામ હમેશાં આવે છે તેમ એ પૈસેટકે દુ:ખી થયો અને ઘરબાર મૂકી બન્ને ચાલ્યાં ગયાં. મુંબાઈ જેવી વિશાળ નગરીમાં ફાવશે એમ માની ત્યાં ગયાં. પણ તે દિવસથી જુગલનું નામનિશાન ભૂલાઈ ગયું. બીચારા અરવિન્દને ભાઈને માટે થતું, એને પાછો રસ્તે લાવવા, એને બે પૈસાની મદદ કરવા સદા તૈયાર હતો અને એની તપાસ કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. ગંગાનો આ બીજો પત્ર હતા. કેટલાક માસ ઉપર ગંગાએ એક પત્ર લખ્યો હતું અને એમાં લખ્યું હતું કે 'મને તમારા ભાઈએ કાઢી મૂકી છે. અમે કાયદાની નજરે પતિ પત્ની નથી છતાં અમે પતિ પત્ની તરીકે જ રહ્યાં છીએ, અને મને કાઢી મુકી છે તે પણ મ્હારા કોઈ ખરાબ કામ માટે નહી પણ ત્હમારા ભાઈની પૈસા સંબધી સ્થિતિ સારી ન હોવાથી જ. આ પત્ર મારે માટે નથી લખતી, માત્ર ત્હમારા ભાઈને જ માટે મને ચિંતા થાય છે.' આ બીજા પત્ર ઉપરથી જણાતું હતું કે ગંગા પાછી જુગલ પાસે જ હતી. જુગલે એક બહાર ગામની મિલમાં નોકરી લીધી હતી, પણ ઉપરીની સાથે તકરાર કરી નોકરીનું રાજીનામું આપ્યું હતું અને બન્ને પાછાં મુંબઈ આવ્યાં હતાં. મુંબઈની એક ધર્મશાળામાં જુગલ મૃત્યુ પથારીમાં હતો અને અરવિન્દને સંભારતો હતો. પાસે પાઈ નહોતી એટલે ગમે તેમ કરી ચંદા મારફત ગંગાએ પત્ર મોકલ્યો હતો.

ગંગાનો પત્ર વાંચતાં અરવિન્દના મ્હોં ઉપર શોક છવાયો હતો, અને એની કોમળ લાગણીને લીધે એની આંખમાં આંસુ આવ્યાં. લીલાની નજર અરવિન્દ તરફ ગઈ ને પોતાના વ્હાલા પતિનાં આંસુ તે જોઈ શકી નહી. 'શું છે ? મને જલદી કહે !'

'જુગલભાઈ થોડા દિવસના જ મહેમાન છે. મારે જવું જોઈએ.'

લીલાના હોશ ઉડી ગયા. એના મગજમાંથી ચંદા, મુંબાઈ કાદમ્બરીનું નાટક, સધળું ઉડી ગયું ને બોલી ઉઠી–