પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


સગાઈ-લગ્નનું નક્કી હતું ત્યાં એક દિવસ અરવિન્દ એક જાહેર મીટીંગમાં ગયો. ત્યાં પોતાની સાથે જ કોલેજમાં ભણનારા કેટલાક મળી આવ્યા. કેટલાક નવી ફેશનમાં હતા. કેટલાક પ્રોફેસરો હતા તો કેટલાક બારીસ્ટરો, વકીલો, પત્રકારો, અમલદારો. આ જોતાં અરવિન્દને પોતાને માટે તિરસ્કાર આવ્યો. ‘મ્હને લીલા મળશે ખરી ? મ્હારામાં શું છે? મ્હારાં લુગડાં ક્યાં ને આ બધાનાં લુગડાં ક્યાં ? હું એક ગામડીયો ખેડુત–દુનિયા ક્યાં ચાલે છે તેનું ભાન નહી ને મ્હને લીલા આપે ? લીલા માટે તે કોઈ બારીસ્ટર કે ઓફીસર યોગ્ય. એ બીચારી ગામડામાં મ્હારી સાથે રહી શું સુખ ભોગવવાની છે? ત્યાં ફેશનેબલ બૂટ કે સાડી પહેરી ક્યાં જવાનું? નથી ત્યાં નાટકશાળા કે નથી ત્યાં પાર્ટી, મુંબાઈ જેવી સડકો ક્યાંથી લાવવી ? ના, એ તો વાત જ મૂકી દેવી એમાં મજાહ છે.’ આમ વિચારી પોતાની જાત માટે હલકો અભિપ્રાય બાંધી એમને એમ કાઠીયાવાડ ચાલ્યો ગયો. લીલાની મા, ચંદા અને મિત્રોએ બહુએ વાટ જોઈ પણ એના જતા રહેવાનું ખરું કારણ કોઈ સમજ્યું નહીં.

વળી બે ત્રણ મહિના થઈ ગયા. અરવિન્દ ગામડામાં એકલો પડ્યો. કાવ્યોમાં સ્નેહની ખૂબી વાંચવા લાગ્યો. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’ નામના પુસ્તનું પહેલું વાક્ય ખરું લાગ્યું, સંસારમાં થરે પડેલાને પત્નીની આવશ્યક્તા છે. ત્યારે લીલા શિવાય બીજું કોણ યોગ્ય હોઈ શકે? લીલા સાંભરતાં, લીલાની રમતીયાળ, પ્રેમાળ, સુંદર મૂર્તિ નજર આગળ તરી આવી. હૃદયમાં દબાઈ રહેલી લાગણી ઉછળી આવી અને એ ધોધ બ્હાર આવતાં આટલો સમય કેમ રહેવાયું હશે ? હવે તો લીલા વિના ક્ષણવાર જીવાય નહી એમ થયું. અને એ લાગણીના જોરે, ઉર્મિના આવેગે અરવિન્દને અસ્વસ્થ બનાવ્યો. દિવસ ને રાત્રી અશાંતિમાં કાંઇ ત્હેને સૂઝતું નહી. રાત્રીએ નિદ્રા ખોઈ–સર્વત્ર લીલા લીલા જ જોવા લાગ્યો. વૃત્તિને કબજે રાખવા બહુ બહુ પ્રયત્નો કર્યા. આખરે આ પાર કે પેલે પાર એમ નિશ્ચય કરી ભવિષ્ય જાણવા મુંબાઈ ફરીને આવ્યો.