પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૫
જુગલભાઇ.


ત્યારે જ કાંઈ ઝાંખું અજવાળું એારડીમાં આવી શકતું. ઓરડીની ચારે ભીંત ઉપર ધૂમાસ હતો, ભીતમાં બાકોરાં હતાં, દિવસના વખતમાં પણ ઉંદરની દોડાદોડ થતી. એક ખૂણામાં ગંધાતો ખાળ, બીજા ખૂણામાં એક ભાંગેલી ટ્રંક અને પાસે બીડીઓના ખોખાં ને એવો જ કચરો પડ્યો હતો. પથારી–એને પથારી કહી શકીએ તે પાએક ઈંચ જાડાઈની હજાર થીગડાંવાળી ગોદડી બાબાજોનના વખતની હતી, તે ઉપર જુગલ કરતાં જુગલનું શરીર પડ્યું હતું. નહેાતું ઓઢવાનું ઠેકાણું કે નહોતું પહેરવાનું ઠેકાણું. શરીરનાં હાડકાં સરળતાથી ગણી શકાય એમ હતાં. આંખો ઉંડી અને નિસ્તેજ હતી. જીવતું હાડપિંજર અગર એક પળ પછી નિ:સત્વ થનાર મનુષ્યનું મુડદું પડ્યું હોય એમ જુગલ પડ્યો હતો. જુગલનું શરીર જોતાં જ 'આ મ્હારો ભાઈ હોય ખરો' એમ ક્ષણવાર અરવિન્દને થયું, પરંતુ ધારીને જોતાં તે શક દૂર થયો. ભાઈને જોતાં-ભાઈને ઓળખતાં જ-એના હાડપીંજરથી ન ગભરાતાં એની ગંધાતી ગોદડી અને એના ભયંકર દેખાવથી ન બીતાં, સજળ નેત્રે અરવિન્દ જુગલની પથારી ઉપર બેઠો. ભાઇનો મૃત્યુવત્ હાથ હાથમાં લીધો. શરીરને કાંક અડક્યું એવું ભાન થતાં જુગલે ઉંચું જોયું, ટીકીટીકીને અરવિન્દના સામું જોયું. હૃદયના ઉંડા ભાગમાં ઓળખાણ પડી અને સહજ સ્મિત કર્યું. એ સ્મિત એવું તો ભયાનક હતું કે અરવિન્દને એમજ લાગ્યું કે આ તો જીવન્ત રાક્ષસ છે કે કેમ? અરવિન્દ શાન્ત થયો. આ અંધારી ઓરડીમાં, પાપમય વાસનાથી ભરેલી ઓરડીમાં ઈશ્વરનું સ્તવન કરી જ્યોતિ ફેલાવી. જુગલની પાસે ગયો, તેના કપાળે હાથ મુક્યો અને હથેળી પંપાળવા લાગ્યો. જુગલમાં કાંક જોમ આવ્યું અને વળી પાછી આંખ ઉંચી કરી ધીરેથી બોલ્યો: 'અરવિન્દ, મારી આ સ્થિતિ હશે એવો તને વિચાર પણ આવ્યો હતો.' અરવિન્દ ગમે તે જુગલની શારીરિક સ્થિતિથી, ઓરડીના વાતાવરણથી કે ભાઈ માટેની લાગણીથી, ગમે તે હોય પણ એટલે ગભરાયો હતો કે ઉત્તર જ આપી શક્યો નહીં. 'હા-ના, પણ જુગલભાઈ!