પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
મેદાનીયા.


પ્રકરણ ૬ઠ્ઠું

મેદાનીયા.

સાંજના છ વાગ્યા હતા. મેદાનીયાના મોટા દરવાજા આગળ હારબંધ ગાડીઓ, મોટર ઉભી હતી. અંદર નહી જઈ શકનારા મેદાનીયામાંથી બહાર નિકળતાં સ્ત્રી પુરૂષોને જોતાં, અંદર દાખલ થતાં ચિત્રવિચિત્ર પુરુષોને જોતાં ઉભાં હતાં. કેટલાક ચોગરદમ નાખેલાં પાટીયાની તડોમાંથી અંદર રમાતી રમત જોતા હતા. એટલામાં આખું મેદાનીયા વિજળીની લાઈટથી પ્રકાશિત થયું. અંધકારમાં પ્રકાશ થયો. આલ્પાઇન રેલ્વેનો ગડગડાટ, અંદર બેઠેલાની હોહા કાને પડતી હતી. એટલામાં અરવિન્દ ભાડાની વિક્ટોરીયા કરી આવ્યો. વિક્ટોરીયાવાળાને રજા આપી, ટીકીટ લીધી, પણ અંદર દાખલ થતાં પહેલાં ચોગરદમ જોવા લાગ્યો. એનું ચિત્ત નહોતું આલ્પાઈન રેલ્વેમાં કે નહોતું મેદાનીયાની મજામાં. મેદાનીયાને બદલે બેકબે ઉપર લીલા છે એમ કોઈ કહે તો આજ મેદાનીયાની ટીકીટ ફાડી ત્યાં દોડે.

“લીલા આવી હશે ? વખત છે નહી આવી હોય તો? આ એની ગાડી રહી. પણ ગાડીમાં બીજાં બધાં આવ્યાં હોય ને એ ન હોય તો ? તો શા કામનું ! લીલાના દર્શન વિના, લીલાની હાજરી વિના મેદાનીયા શા કામનું ? અરે, ગાંડા હૃદય ! શાન્ત થા. આમ ઉશ્કેરાઈ જાય છે શા માટે ? લીલા ! અહા, એ નામ કેવું પ્રિય છે ! ગુજરાતી મૂળાક્ષરોમાં લ જેવો કોઇનો ઘાટ સુંદર છે જ નહી, એમાં પછી બે ‘લ’ મળ્યા. વાહ, વાહ! ‘લીલા’ કેવું સુંદર નામ ! એ સુંદરતા હમેશાં રહેશે? લાગશે? શા માટે શંકા લાવવી? અંદર તો જાઉં.”

આટલું કહી અરવિન્દ મેદાનીયામાં દાખલ થયો. મેદાનીયાવાળાએ એક મ્હોટી ભૂલ એ કરી હતી કે અંદર દાખલ થનારને જ્યાં જવું હોય ત્યાં જવું પડતું. આનંદનું સ્થાન એને સામું મળતું નહી.