પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


માનતો. સંસાર એટલે આનંદ. સર્વ ઇન્દ્રિયોને તૃપ્તી આપવી એજ તેના જીવનનો ઉદ્દેશ હતો. પ્રભુ કે પ્રભુ પ્રાર્થના એ નકામા ઢોંગ છે એમ માનતો. એને મનથી ગીતાનો પાઠ એ વખતનો દુરપયોગ જ હતો. પરંતુ આ વખતે એને કાંઈ કહેવાની શકિત નહોતી. અરવિન્દ એક ખૂણામાં નીચો પડી પ્રાર્થના કરતો હતો. લીલા જુગલની પાસે બેસી નીચે મોયે સ્તોત્ર ભણતી હતી. બે દિવસ ઉપર જે ઘરમાં, જે ઓરડીમાં પવિત્ર વિચારોનું નામ નહોતું, જે સ્થળે ઈશ્વરનું અસ્તિત્વ મનાતું નહોતું, જે સ્થળે ચીસ, દુર્ગધ, મચ્છર હતાં તે જ જગાએ આજે પવિત્રતા, સુગંધ, શાન્તિ ફેલાયેલાં હતાં. ઈશ્વર હો યા ન હો, તેની પ્રાર્થનાથી લાભ થતો હો યા ન હો, મૃત્યુ પછી સ્વર્ગમાં જવાતું હોય કે નર્કમાં, પણ એની પ્રાર્થના, પવિત્ર વિચાર કરવાથી, વિનીતતા દર્શાવવાથી, આ ઓરડીમાં કાંઈ નવું જ તેજ દેખાયું. જુગલના મ્હોડા ઉપરથી પીડા-દુઃખની નીશાનીઓ દૂર થઈ હતી. બ્હેન જેવી લીલાની મદદથી પાસું બદલી શકતો. દુધ કાંજી પી શકતો ને અંદરની પીડા કમી થઈ હતી. થોડીવાર ઉંધતો. જુગલે ઘણે મહીને ઉંધ જોઈ અને ઉંધ–સર્વ દુઃખને સમાવનાર ઉંધ આવતાં જુગલના શરીરમાં નવું જ જોર આવ્યું. એને એમ લાગ્યું કે કાંઈક આરામ છે. તેને જીવવાની આશા આવી.

સર્વત્ર શાન્તિ પ્રસરી. લીલા–અરવિન્દને એમ થયું કે જુગલની તબીયત સુધરશે અને ડાક્ટરના ત્રણ દિવસ ખોટા પડશે, પરંતુ એકાદ કલાક ગયો નહિ હોય ત્યાં જુગલ ઉંઘમાંથી ઝબકી ઉઠ્યો. જેને પાસું બદલવાની શકિત નહોતી તે એકદમ જોમમાં ને જોમમાં બેઠો થયો, નાસવા લાગ્યો. 'ભાઈ ! મ્હને કરડી ખાય છે, બચાવો !' કરી પાછો પડ્યો. જુગલને તાણનાં ચિન્હ લાગ્યાં. આખું શરીર ખેંચાવા લાગ્યું, ઉધરસ વધતી હતી. ગળામાંથી ગળફો નિકળી શકતો નહી.

એક રાત, બે રાત આમને આમ પસાર થઈ. અરવિન્દ, લીલા અને ગંગા પોપચાં મીચ્યા વગર રાત ને દિવસ જુગલની